Site icon Revoi.in

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રિય ધોરણે મોંધવારી ભથ્થુ જાહેર ન કરાતા અસંતોષ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. અને કેન્દ્ર સરકાર જ્યારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત કરે ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે 4 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું હતુ. પણ ગુજરાત સરકારે કેન્દ્રના ધોરણે હજુ મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું નથી. તેથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા જે-તે વર્ષના જાન્યુઆરી માસ અને જુલાઇ માસની અસરથી તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે દર છ માસે મોંઘવારી ભથ્થું જાહેર કરાતું હોય છે. કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે 4 ટકા ડી.એ. એટલે કે મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું.આ પછી ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઇ અને મોંઘવારીની જાહેરાતને બ્રેક લાગી ગઇ. રાજ્ય સરકાર છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી જાહેર કરવામાં ઉદાસીનતા દાખવી રહી છે. અત્યારે જૂન માસના 23 દિવસ પૂર્ણ થયા છે  છતાં 4 ટકા ડીએ જાહેર કરવામાં આવ્યું નથી. જૂન પૂર્ણ થયે જુલાઇ માસમાં નવી મોંઘવારીનો સમય થઇ જતો હોય છે. હવે જ્યારે નવી મોંઘવારી જાહેર કરવાનો સમય આવી ગયો છે ત્યારે રાજ્ય સરકાર જૂની મોંઘવારી જાહેર કરે તેવી કર્મચારીઓમાં માગ ઊઠી છે.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને તેના પરિણામો બાદ નવી સરકારનું ગઠન પણ થઈ ગયું છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે 4 ટકા ડી.એ.ની જાહેરાત કરાઇ નથી. આથી કર્મચારી આલમમાં આ બાબતે નારાજગી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ હાલમાં 50 ટકા મોંઘવારી ભથ્થું લે છે. જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને હાલમાં 46 ટકા મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી-24ની અસરથી 4 ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું.જ્યારે રાજ્ય સરકાર ગત જુલાઇ-23ની અસરવાળું 46 ટકા મોંઘવારી ભથ્થું તેના કર્મચારીઓને ચૂકવે છે. હાલમાં છ-છ માસની મોંઘવારી ચડતર થઇ ગઇ છે. (File photo)