Site icon Revoi.in

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘરભાડું ન ચુકવાતા અસંતોષ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ, ઘરભાડા સહિત લાભ આપવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકારે સાતમા પગાર પંચનો અમલ કર્યો પણ એમાં ઘરભાડું કેન્દ્રના ધોરણે આપવાનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો. હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઘરભાડુ આપવામાં આવે છે, જ્યારે ગુજરાત સરકારના કર્મચારીઓને આ લાભ મળતો નથી.

કર્મચારી મંડળના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર કેન્દ્રના ધોરણે તેના કર્મચારીઓને પગારપંચ, મોંઘવારી ભથ્થુ અને ઘરભાડું ચુકવતી હોય છે અને એ માટે સમયાંતરે રાજ્ય કક્ષાએથી ઠરાવ કરવામાં આવતા હોય છે. 2016માં સાતમા પગારપંચનો રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે અમલ કર્યો હતો. તત્કાલિન સમયે ઘરભાડું અને મેડિકલ ભથ્થાનો સ્વીકાર કરાયો નહોતો. આખરે સાડા સાત વર્ષના લાંબા સમયગાળા બાદ રાજ્ય સરકારે તેમના કર્મચારીઓ માટે ઘરભાડુ અને મેડિકલ ભથ્થું સાતમા પગારપંચ મુજબ વધારવાનો નિર્ણય ગત તા.24/9/2022ના કર્યો છે. જેમાં એક્સ, વાય અને ઝેડ કેટેગરી મુજબ શહેરોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ઝેડ કેટેગરીના શહેરોને 8 % લેખે, વાય કેટેગરીના શહેરોને 16 % અને એક્સ કેટેગરીના શહેરોને 24 % લેખે ઘરભાડું ચુકવવાનો રાજ્યના નાણા વિભાગે આદેશ જારી કરવામાં આવ્યો હતો. જ્યારે ભારત સરકારના તા.7/7/2017ના પત્રમાં જોગવાઇ કરવામાં આવી છે કે જ્યારે મોંઘવારી 25 % ને પાર કરે ત્યારે ઝેડ કેટેગરીના શહેરોને 9 % ઘરભાડું, વાય કેટેગરીના શહેરોને 18 % ઘરભાડું અને એક્સ કેટેગરીના શહેરોને 27 % ઘરભાડું ચુકવાશે. જ્યારે મોંઘવારી ભથ્થું 50 % થાય જેમાં ઝેડ કેટેગરીના શહેરોને 10 % લેખે, વાય કેટેગરીના શહેરોને 20 % અને એક્સ કેટેગરીના શહેરોને 30 % લેખે ઘરભાડું ચુકવવાનો કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર રજૂ કરાયો છે. કેન્દ્ર સરકાર અત્યારે 50 % મોંઘવારી ભથ્થું ચૂકવે છે ત્યારે રાજ્ય સરકાર પણ 10, 20 અને 30 % ઘરભાડું ચૂકવે એવી કર્મચારી આલમની માંગ છે. (File photo)