ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી માટેની પ્રકિયા ચાલી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષણ સહાયકની ભરતી બાદ પણ શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી રહેશે. કારણ કે સિક્ષકોની જરૂરિયાત છે, તેના કરતા ઓછા શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. તેની સીધી અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડશે. જોકે શિક્ષણ વિભાગ જ્ઞાન સહાયકની ભરતીને મહત્વ નહી આપીને કાયમી શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યાઓ વધારવામાં આવે તો ટેટ એસ અને ટાટ એચએસ પાસ 38730 ઉમેદવારોનું શાળાઓમાં શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર થાય તેવી માંગણી સાથે ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શાળાઓમાં શિક્ષકોની અંદાજિત 7900 ખાલી જગ્યાઓની સામે 7500 શિક્ષણ સહાયકની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે તેની સામે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષે લેવાયેલી ટાટ એસ અને ટેટ એચએસની દ્વિસ્તરીય પરીક્ષા 38730 ઉમેદવારોએ પાસ કરી છે. તેની સામે ભરતી માંડ 7500 શિક્ષણ સહાયકની કરવામાં આવી રહી છે. તેમાં 5700 જુના શિક્ષકોની અને 1200 જેટલા આચાર્યોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી પડેલી અંદાજિત 6900 શિક્ષકોની ખાલી જગ્યાઓનો સમાવેશ ચાલુ ભરતીમાં કરવામાં આવ્યો નથી. જોકે રાજ્યનું શિક્ષણ વિભાગ જ્યારથી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીમાં રસ દાખવી રહ્યું છે. તેને બદલે શિક્ષણ સહાયકની ભરતીની જગ્યાઓમાં વધારો કરવામાં આવે તો શિક્ષિત બેરોજગારનો પ્રશ્ન હલ થવાની સાથે સાથે ટાટ એસ અને ટાટ એસએચ પાસ ઉમેદવારોનું શાળાઓમાં કાયમી શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર થાય તેવી આશા ટાટ-1 અને ટાટ-2 પાસ ઉમેદવારો આશા રાખી રહ્યા છે.
ટાટ ઉતિર્ણ કરેલા ઉમેદવારોના કહેવા મુજબ દર વર્ષે શૈક્ષણિક સત્રના અંતે શિક્ષકો વય નિવૃત્ત થતાં શાળાઓમાં શિક્ષકોની ઘટનો આંકડો દર વર્ષે વધવાની પણ પૂરે પૂરી શક્યતા રહેલી છે. ત્યારે ટાટ એસ અને ટાટ એસએચ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકની નોકરી મળવાથી દ્વિ-સ્તરીય ટાટ પરીક્ષા પાસ કર્યા બાદ નોકરીનો સ્વપ્ન સાકાર થશે. બાકી તો શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યાઓ વધારવામાં નહી આવે તો ટાટ એસ અને ટાટ એસએચ પાસ ઉમેદવારોને બેરોજગારોની લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડશે તેમ ટાટ એસ અને ટાટ એસએચ પાસ ઉમેદવારોએ માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.