ભાવનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને શિક્ષણ ઉપરાંત અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી તેની શિક્ષમ કાર્ય પર અસર પડી રહી છે. થોડા સમય પહેલા ઘેર ઘેર ફરીને નવા મતદારોની નોંધણી કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. તેનો ભારે વિરોધ પણ થયો હતો. ત્યારબાદ હવે શિક્ષકોને ઘેર ઘેર ફરીને તિરંગા ધ્વજના વેચાણ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જેની સામે પણ શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક સરકારી શાળાઓમાં એક તો વર્ગખંડોમાં ભણાવવા માટે શિક્ષકોની સંખ્યા ઓછી છે, એટલે કે પુરતા શિક્ષકો જ નથી. ત્યાં એક પછી એક સરકારી કામગીરી માટે શિક્ષકોને પસંદ કરવામાં આવે છે હવે આઝાદીનું પર્વ આવી રહ્યું છે ત્યારે ઘર ઘર તિરંગા અભિયાનની ઉજવણી અંતર્ગત તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન શિક્ષકોને ગામેગામ જિલ્લા કક્ષાએથી આવેલા તિરંગાના વેચાણની કામગીરી સોંપવામાં આવી છે. એક તિરંગાના રૂપિયા 25 લેખે વેચાણ કરવાનું થાય છે. આમ, શિક્ષકો હવે ઘરે ઘરે તિરંગા વેચવા નીકળશે. જેથી વર્ગ શિક્ષણને ફટકો પડશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર જિલ્લામાં આયોજન અધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ તાલુકા શિક્ષણાધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક ગામોએ જિલ્લા કક્ષાએથી આવેલા તિરંગાનું વિતરણ કરવાનું થાય છે આથી ફાળવવામાં આવેલા તિરંગાઓ દરેક ગામે પહોંચી જાય અને રૂપિયા 25 લેખે વેચાણની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે.
પ્રાથમિક શાળાના શિક્ષકો મારફત શાળાના બાળકોના વાલીઓને ઘરે ઘરે ધ્વજ ફરકાવવામાં આવે તે માટે કાર્યવાહી કરવાની રહેશે. એક તો સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે અને ગણિત વિજ્ઞાન અને ભાષાના શિક્ષકો છે નહીં ત્યારે એક પછી એક સરકારી કામગીરીમાં શિક્ષકોને જોતરવામાં આવે છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં વર્ગ શિક્ષણને અને વિદ્યાર્થીઓને સૌથી વધુ હાનિ પહોંચે છે આ અંગે સરકારે વિચારવું જોઈએ.