સાતમ-આઠમના તહેવારોમાં ધો.-3થી 5નાપ્રાથમિક શિક્ષકોની તાલીમ રખાતાં રોષ
ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-3થી 5ના ભાષા શિક્ષકોની તાલીમનું આયોજન આજે તા.26મીથી 28મી ઓગસ્ટ દરમિયાન એટલે કે સાતમ-આઠમની રજાઓમાં કરાતા શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. તહેવારોને ધ્યાનમાં રાખીને તાલીમની તારીખો બદલવાની માંગણી સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જીસીઇઆરટીના નિયામકને રજૂઆત કરી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની રજાઓની યાદી જાહેર કરાય છે. ઉપરાંત આખા વર્ષનું શૈક્ષણિક આયોજન પણ શિક્ષણ વિભાગ દ્વારા કરાય છે. તેમ છતાં શિક્ષકોની તાલીમના આયોજનમાં જાણે કોઇ જ બાબતનો અભ્યાસ કર્યા વિના જ કરાતું હોય તેમ શિક્ષક આલમમાં જોવા મળતી ચર્ચા ઉપરથી લાગી રહ્યું છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષ પટેલે જણાવ્યું છે કે સાતમ-આઠમની રજાઓમાં ધોરણ-3થી 5ના ભાષા શિક્ષકો માટે યોજવામાં આવનારી તાલીમની તારીખો બદલવાની માંગણી સાથે શિક્ષક સંઘે જીસીઇઆરટીના નિયામકને લેખિત રજુઆત કરી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓએ સાતમ-આઠમના તહેવારોમાં જ તાલીમ શિબીરનું આયોજન કર્યું છે. ઘણાબધા પ્રથમિક શિક્ષકો પોતાના વતનથી દુર અન્ય જિલ્લાઓમાં ફરજ બજાવતા હોય છે. અને તહેવારોમાં પોતાના વતનમાં જતા હોય છે. હવે તાલીમ શિબીરને કારણે શિક્ષકો પોતાના વતન જઈ શક્શે નહીં. રાજય પ્રાથમિક સંઘે પણ રજુઆત કરી હતી.