Site icon Revoi.in

માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતીમાં અનામત કેટેગરીનો લાભ ન મળતા અસંતોષ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓમાં શિક્ષણ સહાયકની ભરતીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે તેમાં ટાટ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. પરંતુ પાસીંગ માર્ક્સમાં અનામત કેટેગરીનો લાભ આપવામાં આવતો નહીં હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કરી રહ્યા છે. ટાટની મુખ્ય પરીક્ષામાં પાસિંગ માર્ક 60% રાખવામાં આવ્યા હોવાથી ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવાની પ્રકિયા ચાલી રહી છે. ભરતીમાં ટાટ પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી  છે.  શિક્ષણ સહાયકની ભરતીમાં અનામત કેટેગરીનો છેદ ઉડાડવામાં આવ્યો હોય તેમ ટાટની મુખ્ય પરીક્ષાના પાસીંગ માર્ક 60% તમામ કેટેગરીના ઉમેદવારો માટે રાખવામાં આવ્યા છે. આથી અનામત કેટેગરીના ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ઉમેદવારો કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગના ભરતીના નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાંચ ટકાની છુટછાટ આપવામાં આવે છે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ શિક્ષણ સહાયકની ભરતીમાં 50% પાસિંગ માર્કના આધારે ભરતી કરવામાં આવતી હતી. પરંતુ હાલમાં નવી શિક્ષણનીતિ પ્રમાણે દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવેલી છે. જેમાં પ્રિલીમ અને મુખ્ય પરીક્ષા એમ દ્વિ સ્તરીય પરીક્ષામાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાસિંગ માર્કમાં ક્યાંય પણ છૂટછાટ આપવામાં આવી નથી. આથી કેન્દ્ર સરકાર દ્વારા એનસીટીઈની ગાઈડલાઈન પ્રમાણે ઉમેદવારોને 5% પાસિંગ માર્ક્સની છુટછાટ અનામતના ઉમેદવારોને આપવાની માગણી ઉમેદવારોએ કરી છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી સીટીઈટી અને એનઈટીની પરીક્ષાઓમાં પણ અનામત કેટેગરીનો ઉમેદવારોની 5% પાસિંગ માર્ક્સમાં છૂટછાટ આપવામાં આવે છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયકની ભરતીમાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાંચ ટકા પાર્સિંગ માર્કના છૂટછાટના લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ટાટ પાસ ઉમેદવારોએ કર્યો છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે ટાટની મુખ્ય પરીક્ષામાં 55% પાસિંગ માર્કને ગણીને અનામત કેટેગરીના ઉમેદવારોને અરજી કરાવવામાં આવે તેવી માંગણી સાથે ઉમેદવારોએ શાળાઓના કમિશનર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.