ગાંધીનગરઃ સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા રાજ્યના છ હજારથી વધુ કર્મચારીઓના વેતનમાં વધારો નહી કરાતા અસંતાષ વ્યાપ્યો છે. જોકે વેતન વધારાના મામલે કર્મચારીઓની સાથે બેઠકમાં સમંતિ દર્શાવ્યા બાદ પણ પગારમાં વધારો નહી કરતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સર્વ શિક્ષા અભિયાનની અલગ અલગ પોસ્ટ ઉપર કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. કર્મચારીઓના વેતનમાં વધારો કરવામાં નહી આવતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. જ્યારે બીજી તરફ મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી હોવાથી પગાર વધારો નહી કરતા કર્મચારીઓની હાલત કફોડી બની રહી છે. ત્યારે કર્મચારીઓના વેતનમાં વધારો કરવા માટે કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ, નાણાં સહિતના વિભાગોમાં લેખિત રજુઆત કરવામાં આવી હતી. આથી સર્વ શિક્ષા અભિયાનના ઉચ્ચ અધિકારીઓની સાથે કરાર આધારીત કર્મચારીઓના મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારોની સાથે બેઠક કરી હતી.
આ બેઠકમાં કરાર આધારિત કર્મચારીઓના વેતનને લઇને તમામ પ્રકારની વિસંગતતાઓને તાકિદે દુર કરવામાં આવશે.એવું આશ્વાસન આપવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પગાર વધારા અંગેના કર્મચારીઓના પત્રકો બનાવવામાં આવ્યા હતા. પગાર વધારાને લઇને તમામ પ્રકારની કામગીરી કર્યા બાદ એકાએક પગાર વધારાની મંજુરી નાણાં વિભાગમાંથી લેવાની હોવાથી પગાર વધારો કરવામાં આવશે નહી તેમ કહેતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. જોકે સર્વ શિક્ષા અભિયાનને સ્વંતત્ર ગ્રાન્ટ આપવામાં આવતી હોવાથી નાણાં વિભાગની મંજુરી લેવાની વાત આવતી નહી હોવાનો આક્ષેપ કરાર આધારીત કર્મચારીઓના સંગઠનના પ્રમુખ અમિત કવીએ કર્યો હતો.