વડોદરાઃ રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતના તમામ શહેરોમાં ફાયર સેફ્ટીના મુદ્દે ઝુબેશ ચલાવવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ ફાયર સેફ્ટી ન હોય એવા બિલ્ડિંગો, એકમો સીલ કરવામાં આવી રહી છે. શહેરના સરદાર ભુવનના ખાંચામાં 125 દુકાનોને સીલ મારવામાં આવતા વેપારીઓએ વિરોધ કરી ધરણા ઉપર બેસી ગયા હતા. દરમિયાન વેપારી મંડળે મ્યુનિ. કોર્પોરેશન કચેરી ખાતે જઈને મ્યુનિસિપલ કમિશનરને સમય આપવા માટે રજૂઆત કરી હતી. વેપારીઓના કહેવા મુજબ ફાયર સેફ્ટીના મુદ્દે નોટિસ આપ્યા વિના દુકાનોને સીલ મારી દેવાયા છે. વેપારીઓને ફાયર સેફ્ટી લગાવવા માટે થોડા સમય આપવો જોઈએ.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ટીમ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમો સરદાર ભુવનના ખાંચામાં પહોંચી હતી. અને ફાયર સેફ્ટી અને પાર્કિંગ બાબતે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. મ્યુનિ. દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સીલ મારવાના વિરોધમાં વેપારીઓ ધરણા ઉપર બેસી ગયા હતા. જેના પગલે રસ્તો બંધ ગયો હતો અને ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. કોઈ એપ્રિય ઘટના ન બને તે માટે કારેલીબાગ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે, નોટિસ આપ્યા વગર દુકાનોમાં સીલ મારવામાં આવ્યા છે, જે ખોટું છે. દુકાનોમાં એકાએક સીલ મારવાથી વેપારીઓને તો નુકશાન થાય છે જ સાથે દુકાનોમાં નોકરી કરતાં માણસો ઉપર વધુ અસર પડે છે. આગામી દિવસોમાં શાળાઓ શરૂ થઈ રહી છે. વેપાર ધંધામાં મંદી ચાલી રહી છે. ત્યારે મ્યુનિ. દ્વારા કોઇપણ જાતની જાણ કર્યા વગર સીલ મારી દેવું યોગ્ય નથી.
વેપારીઓએ મ્યુનિ.ના ફાયર વિભાગના અધિકારીઓને પણ રજુઆત કરતા જણાવ્યું હતું કે, કોણપણ જાતની નોટિસ વગર સીલ મારવું યોગ્ય નથી. 125 જેટલી દુકાનોને એકાએક સીલ મારી દેવાતા દુકાનમાં કામ કરતા કર્મચારીઓને પણ મુશ્કેલી પડશે. રાજકોટની ઘટના બાદ જાગેલા તંત્ર અત્યારે સુધી ક્યાં હતું. એકાએક કામગીરી કરીને માત્ર હેરાન કરવા સિવાય બીજું કંઈ નથી.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા શહેરની 15 જેટલી સો મિલને સીલ મારતા સો મીલના વેપારીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. અને સીલ ખોલવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જો કે, પાલિકા દ્વારા કોઈ દાદ આપવામાં આવી નહતી. દરમિયાન શહેરના સરદાર ભુવનના ખાંચાના વેપારીઓએ સમયમર્યાદા આપવાની રજૂઆત કરવા સાથે દુકાનોના સીલ ખોલવા માગ કરી હતી.