અમદાવાદઃ મોરબીમાં દિવાળીના તહેવારોમાં ઝુલતો પુલ તુટી પડવાની ઘટના રાજ્યની અદાલતમાં પહોંચી છે. પીડિતોએ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા વળતર અંગે અસંતોષ વ્યક્ત કરીને હાઈકોર્ટમાં એફિડેવીટ દાખલ કર્યું હતું. રાજ્યની વડી અદાલતમાં મોરબી દુર્ઘટના અંગે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
કેસની હકીકત અનુસાર મોરબીમાં દિવાળી બાદ ઝુલતો પુલ તુટવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 135 વ્યક્તિઓના મોત થયાં હતા. આ દુર્ઘટનામાં પુલની જાળવણીનું કામ કરતી કંપનીના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. પોલીસે કોર્ટમાં રજુ કરેલા ચાર્જશીટમાં જયસુખ પટેલના નામનો ઉલ્લેખ કરાયો હતો. મોરબી દુર્ઘટનામાં નવ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આરોપીઓ સામે આકરી કાર્યવાહીની ખાતરી આપી હતી. મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલો ઝુલતો પુલ તુટવાની ઘટનામાં મહિલા અને બાળકોના પણ મોત થયાં હતા.
મોરબી દુર્ઘટનાનો મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. દરમિયાન પીડિત પરિવારોએ વળતરને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ સોગંદમાનુ રજુ કરીને જણાવ્યું હતું કે, પીડિત પરિવારોને માત્ર 10 લાખ રુપિયા જ વળતર આપવા પર સરકાર ચૂપ કેમ છે, દિલ્હીમાં 1990માં સર્જાયેલા અગ્નિકાંડમાં પીડિત પરિવારોને રૂ. એક કરોડની રકમ આપવામાં આવી હતી. જ્યારે મોરબીમાં સર્જાયેલી દૂર્ઘટનામાં પીડિત પરિવારોને માત્ર રૂ. 10 લાખ સરકાર કેવી રીતે આપી શકે. હાલ સરકાર અમને માત્ર 10 લાખ આપીને ચૂપ કેમ છે. સરકાર તરફથી જે વળતર આપવામાં આવ્યુ છે તેના પર પીડિતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે.