Site icon Revoi.in

જુનાગઢમાં મેયરની વરણીને લીધે અસંતોષ પાંચ કોર્પોરેટરોએ રાજીનામાંની ચીમકી આપી

Social Share

જૂનાગઢઃ શહેરની મ્યુનિ,કોર્પોરેશનમાં ભાજપની બહુમતી છે. તાજેતરમાં ભાજપ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી હતી. શહેરના નવા મેયરની વરણીને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ગીતા પરમારને મેયર બનાવાતા દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે. નારાજગીના પગલે ભાજપના પાંચ નગર સેવકોએ રાજીનામાની ચીમકી આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  જુનાગઢ શહેરના મેયર તરીકે ગીતા પરમારની પસંદગી કરાતા નારાજ નગરસેવકોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં જાણ કરી છે. જો ચાર દિવસમાં યોગ્ય નિર્ણય નહીં થાય તો તમામ હોદ્દા પરથી રાજીનામા આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના આ હોદ્દેદારોએ જૂનાગઢમાં 5 કોર્પોરેટર દલિત સમાજના અને 1 કોર્પોરેટર વાલ્મીકિ સમાજના છે. જૂનાગઢમાં 25 હજાર દલિત મતદાર હોવાથી મેયર પદ વાલ્મીકિ સમાજને બદલે દલિતને મળે તેવી માગણી થઈ રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપાના શાસકોની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી માટે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પ્રદેશમાંથી આવેલા નામ મુજબ મેયર તરીકે ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે હરેશભાઇ પરસાણા, શાસક પક્ષના નેતા તરીકે કિરીટભાઈ ભીંભા અને દંડક તરીકે અરવિંદભાઈ ભલાણીની વરણી કરવામાં આવી હતી. મ્યુનિ.ની સામાન્ય ચૂંટણી બાદ મેયર તરીકે ધીરૂભાઇ ગોહિલ, ડેપ્યુટી મેયર તરીકે હીમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે રાકેશભાઈ ધુલેશિયાની વરણી થઇ હતી. તેની અઢી વર્ષની મુદત  પૂર્ણ થઈ હતી. થોડા દિવસ પહેલા નવા હોદ્દેદારોની વરણી માટે પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં જૂનાગઢ મ્યુનિ.ના નવા હોદ્દેદારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. આગામી અઢી વર્ષ માટે મેયર એસસી અનામત છે. જેથી મ્યુનિ.ની સાધારણ સભામાં બંધ કવરમાં આવેલા નામ ખોલવામાં આવ્યા હતા અને તે મુજબ મેયર તરીકે ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે હરેશભાઇ પરસાણા, શાસકપક્ષના નેતા તરીકે કિરીટભાઈ ભીંભા અને દંડક તરીકે અરવિંદભાઈ ભલાણીનું નામ હતું. આથી મ્યુનિ.ની સાધારણ સભામાં પ્રદેશમાંથી આવેલા નામ મુજબ આગામી અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.