- વાહનચાલકોને નજીક આવતા ખબર પડે છે, કે ડાયવર્ઝન અપાયેલુ છે,
- ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં સુચનો મેળવાયા,
- પદયાત્રીઓ પણ રોડ સેફટીના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ
રાજકોટઃ રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતો હોય છે. આ હાઈવેને સિક્સલેન કરવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ઠેર ઠેર અપાયેલા ડાયવર્ઝનને લીધે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડાયવર્ઝનનો રસ્તો બિસ્માર અને ઉબડ-ખાબડ હોય છે. તેમજ ડાયવર્ઝનના સાઈન બોર્ડ પણ યોગ્યરીતે મુકાયા નથી. વાહનચાલકો નજીક આવે ત્યારે જ ખબર પડે કે ડાયવર્ઝન અપાયુ છે. આ અંગેની ફરિયાદો ઊઠતા જિલ્લા કલેક્ટરે હાઇવેના એન્ટ્રી ગેટ પર ડાઇવર્ઝન પાસે મોટી સાઇઝમાં સાઇન લગાવવા, ચોકમાં હાઇમાસ્ટ લાઇટ મૂકવા સુચના આપી છે, જેથી વાહન ચાલકો દુરથી જ ડાઇવર્ઝનને ઓળખી શકે તેથી અકસ્માતોમાં ઘટાડો થઈ શકે તેમ છે.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં અને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરની ઉપસ્થિતિમાં તાજેતરમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા સંલગ્ન જુદા જુદા હાઇવે પર નિર્ધારિત બ્લેક સ્પોટ પર વાહન અકસ્માતના કારણોની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આ સ્થળોએ જરૂરી માર્ગદર્શક સાઈનની સાઈઝ વધારવા, ડાયવર્ઝન સ્મૂધ બનાવવા, હાઇવે ચોકમાં હાઈ માસ્ટ લાઇટ લગાડવા વિવિધ એજન્સીને કલેકટરએ સૂચનાઓ આપી હતી.
આ તકે અધ્યક્ષ દ્વારા હાઇવે આસપાસ આવેલા નડતરરૂપ ધાર્મિક સ્થળો, હોટલ, શોરૂમ, દુકાનો તોડી પાડવા તેમજ ગેપ ઇન મીડીયમ તોડતા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા સૂચના આપી હતી. રોડ સેફટી એક્સપર્ટ જે. વી. શાહ અને આર.ટી.ઓ. ખપેડએ રોડ સેફટી તેમજ તે માટે યોજાયેલા સેમિનારની વિગતો પુરી પાડી હતી. પદયાત્રી સંઘને રોડ પર નડતા અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું હોઈ તેઓને તકેદારી અંગે માર્ગદર્શિકા મુજબ જમણી તરફ ચાલવા અને કેમ્પ લગાવવા અનુરોધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કિશાન, મારુતિ પંપ, શાપર બ્રિજ, ઉમવાડી તેમજ જામવાડી પાસે અકસ્માતોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારે વાહનચાલકોને તકેદારી રાખવા જણાવાયું છે અને બીજી તરફ પદયાત્રીકો માટે જમણી તરફ ચાલવાના દિશાસૂચક બોર્ડ લગાવવા જણાવાયું છે.