રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ટ્રાફિકથી 24 કલાક ધમધમતો રાજકોટ ગોંડલ હાઈવે પર ગોંડલ ચોકડી નજીક ફ્લાયઓવરબ્રીજ બનાવવાના કાર્ય પ્રારંભ કરાતા હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલ રોડ ચોકડી આગામી એક વર્ષ માટે બંધ રહેશે. ગોંડલ ચોકડી નજીક સિક્સ લેયર 1.5 કિ.મી. લાંબા ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય શરુ કરાવાને કારણે ગોંડલ રોડ ચોકડી એક વર્ષ માટે બંધ રહેશે. આ માટેનુ જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટની ભાગોળે ગોંડલ રોડ ચોકડીએ ઓવરબ્રિજ બનવવાની કામગીરી શનિવારથી શરૂ કરી દેવામાં આવી છે. તેથી શનિવારની રાતથી જ 12 વાગ્યાથી આ ચોકડી બંધ કરી દેવામાં આવી છે. કાર અને ભારે વાહનોને અલગ અલગ રસ્તા પરથી અવર-જવર કરવા સૂચના આપવામાં આવી છે અને તેના માટે કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. તેમજ ટ્રાફિકને પણ અન્ય રુટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ, ગોંડલ રોડ ચોકડી પર આ સીકસ લેયર ઓવરબ્રીજના નિર્માણ કાર્ય આગામી ટુંક સમયમાં જ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવશે. ગોંડલરોડ ચોકડી પર સતત રહેતી ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે હાઈવે ઓથોરીટી દ્વારા 95 કરોડના ખર્ચે સીકસ લેયર 1.5 કિ.મી. લાંબા ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તેથી બ્રિજનાં નિર્માણમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ત્રણ ડાયવર્ઝન અપાશે. જેમાં કાલાવડ ચોકડી બાયપાસ, ખોડીયાર હોટેલ, પુનીતનગર પાસે અને કુવાડવા કોટડાસાંગાણી રોડ પરથી ડાયવર્ઝન અપાશે.
નવા ઓવરબ્રિજથી ગોંડલ રોડ ચોકડી પર સર્જાતા ટ્રાફિકનું નિવારણ આવશે. આ રોડ પર સતત ટ્રાફિક જામની સમસ્યા રહેતી હતી. જેની સીધી અસર વાહનચાલકોને થતી હતી. હવે નવા બ્રિજ માટેની કામગીરી એક વર્ષ સુધી ચાલશે. જોકે, એક વર્ષ સુધી ચાલનારી કામગીરીમાં આ રુટ પરથી રેગ્યુલર અપડાઉન કરતા લોકોને સૌથી વધુ અસર પડશે. શનિવારે રાત્રે 12 વાગ્યે ચોકડી પર અવરજવર બંધ કરાઈ છે. આ રોડ બંધ કરતા ડાયવર્ઝન પણ લાગી ગયા છે.