1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર હાઈવે પર એપોલો સર્કલ પાસે કેબલ સ્ટેન્ડ બ્રિજના કામને લીધે ડાયવર્ઝન અપાશે
ગાંધીનગર હાઈવે પર એપોલો સર્કલ પાસે કેબલ સ્ટેન્ડ બ્રિજના કામને લીધે ડાયવર્ઝન અપાશે

ગાંધીનગર હાઈવે પર એપોલો સર્કલ પાસે કેબલ સ્ટેન્ડ બ્રિજના કામને લીધે ડાયવર્ઝન અપાશે

0
Social Share
  • ટ્રાફિકની સમસ્યા નિવારવા કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવાશે,
  • હાઈવે પરથી રોજ સવા લાખ વાહનો પસાર થાય છે,
  • ડાયવર્ઝન આપવા પોલીસ અને માર્ગ મકાન વિભાગની વચ્ચે બેઠક યોજાઈ

ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી ગણાય છે, બન્ને શહેરોમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. તેમજ વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેથી રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ આવતા હાઈવે પર એપોલો સર્કલ પાસે ઔડાના રિંગ રોડને લીધે ટ્રાફિકની સમસ્યા રોજબરોજ વકરતી જાય છે. આથી એપોલો સર્કલ પર કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી આ રસ્તા પર એપોલો સર્લ પાસે ડાયવર્ઝન અપાશે.

ગાંધીનગર હાઇવે પર એપોલો સર્કલ પાસે ઔડાનો રીંગ રોડ ક્રોસ થતો હોવાથી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવવાનો આરંભ કરાયો હતો, પણ કોઈ કારણોસર આ કામ લાંબા સમયથી અટકી પડેલું હોવાથી હવે આ કામ હાથ પર લેવામાં આવશે. આ માટે આ માર્ગ પરથી પસાર થતાં રોજના 1.24 લાખ વાહનોના ડાયવર્ઝનનો વિષય મહત્વનો બની ગયો છે. આ વાહનોને ડાયવર્ઝન આપવા માટે પોલીસ અને માર્ગ અને મકાન વિભાગ વચ્ચે બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં આ માટેનો એક્શન પ્લાન તૈયાર કરીને આગામી દિવસોમાં કેબલ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.ગાંધીનગર હાઈવેના એપોલો સર્કલ પર બે મુખ્ય હાઇવે પસાર થાય છે. એક માર્ગ ગાંધીનગરથી ઇન્દિરાબ્રિજ થઇને એરપોર્ટ તેમજ શાહીબાગને જોડે છે. બીજો માર્ગ ઔડાનો સરદાર પટેલ રીંગ રોડ પસાર થાય છે. વડોદરા એક્સપ્રેસ હાઇવે તરફના વાહનો પણ અહીંથી પસાર થાય છે. ખાસ કરીને મોટા ટ્રેઇલર, કન્ટેનર અને ભારે માલવાહક વાહનોનો ટ્રાફિક વધારે રહે છે. કેબલ સ્ટેઇડ બ્રિજની કામગીરી શરૂ કરવા માટે આ વાહનોને ડાયવર્ટ કરવા જરૂરી છે. આથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ પોલીસવડા વચ્ચે પ્રાથમિક બેઠક યોજાઇ હતી. આગામી દિવસોમાં બંને તરફના માર્ગો પરથી પસાર થતાં વાહનોને ડાયવર્ઝન આપવાનું થશે. જેનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

એપોલો સર્કલના ઓવરબ્રિજનું કામ ઘણા સમયથી અટવાયું હતુ. અગાઉ કોરોનાનું નડતર આવ્યું તે પછી અમેરિકાથી કેબલ આવવામાં વિલંબ થયો હતો. ત્યારબાદ ડિઝાઇન બનાવવાનું કામ એલએન્ડટીને સોંપવામાં આવ્યું હતું. આખરે હવે ડાયવર્ઝનનો પ્લાન તૈયાર થયા બાદ કામ શરૂ કરવામાં આવશે, 136 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થશે જેમાં માર્ગ- મકાન વિભાગ અને ઔડા અડધો અડધો ખર્ચ ઉઠાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code