રાજકોટઃ પ્રકાશના પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રંગીલા ગણાતા રાજકોટ શહેરની બજારો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠી છે. લોકો મોટી સંખ્યામાં શહેના મુખ્ય બજારો જેવા કે, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ અને ઘીકાંટા રોડ ઉપર ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ગ્રાહકોને આવકારવા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તમામ રસ્તાઓને લાઇટોથી શણગારવામાં આવ્યા છે. દિવાળી પૂર્વે બજારોને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યા છે.
રાજકોટ શહેરની જુની અને મુખ્ય ગણાતી બજારો એટલે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડી કોઈપણ તહેવાર હોય આ રોડ પર લોકોની ભીડ જોવા મળે છે. દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પર્વને ઊજવવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા મળી રહી છે. લોકો કપડાથી લઈને વિવિધ ચિજ-વસ્તુઓની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી રહ્યા છે. જેને પગલે બજારોમાં પણ હીલચાલ જોવા મળી રહી છે. શહેરના જુના અને મોટા બજારો લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ ઉપર લોકો ખરીદી કરવા માટે ઉમટી પડયા છે. વેપારીઓએ પણ બજારોમાં રંગબેરંગી રોશની કરી છે.
શહેરના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, રાજકોટ ક્લોથ હોલસેલ મર્ચન્ટ એસો. રેડીમેઈડ ગાર્મેન્ટ રીટેઈલ વેપારી એસો. દ્વારા આ લાઇટિંગ કરવામાં આવી છે. રવિવારે સાંજે મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જયમીન ઠાકર, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે આ ખાસ રોશનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે 150 કરતા વધુ વેપારીઓ હાજર રહ્યા હતા. દિવાળી માટે ઘર સજાવવા અનેક વસ્તુઓમાં તોરણથી લઈ નવા કપડા સહિતની તમામ વસ્તુઓ આ રોડ પર મળી જાય છે. તેમની જુની બજાર હોવાથી સૌથી વધુ દુકાનો આ રોડ ઉપર આવેલી છે. આ પર્વને લઈ રોડ શણગારવામાં આવે તો લોકો ઉત્સાહ પૂર્વક ખરીદી કરવા આવે છે. જેને લઇને દર વર્ષે અહીં રોશની કરવામાં આવે છે.