ગાંધીનગરઃ રાજ્ય સરકારના વિવિધ ઠરાવોથી કેન્દ્રીય સાતમા પગારપંચના લાભો રાજ્યના કર્મચારીઓ તથા પંચાયત હસ્તકના કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ ચાર ભથ્થા ઘરભાડા ભથ્થા(HRA), સ્થાનિક વળતર ભથ્થા(CLA), પરિવહન ભથ્થા(TA), તબીબી ભથ્થા(MA) નો લાભ આપવામાં આવ્યો હતો. જે અનુસાર રાજ્ય સરકાર હસ્તકના જુદા-જુદા બોર્ડ/કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને પણ તેનો લાભ મળે તે માટે તેઓ તરફથી મળેલ વિવિધ રજૂઆતો સરકારના વિચારણામાં હતી.
ગુજરાત સરકારે બોર્ડ-નિગમોના અધિકારી-કર્મચારીઓની રજૂઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ દર્શાવી રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને રાજ્ય સરકારના કર્મચારીઓની માફક રાજ્ય સરકાર હસ્તકના જુદા-જુદા બોર્ડ/કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને પણ આ ભથ્થાઓ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ સરકારે બોર્ડ-નિગમોના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયને નાણા વિભાગ દ્વારા તા. 19-10-2023ના ઠરાવથી તેઓને તા. 01-10-2023થી મળવાપાત્ર રહે તે રીતે અમલમાં મૂકવામાં આવેલ છે. આ ઠરાવથી રાજ્યના 65 જેટલા બોર્ડ નિગમોના કર્મચારીઓને આ ભથ્થાનો લાભ મળશે, તેમ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવની અખબારી યાદીમાં જણાવાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જેમાં દિવાળી પહેલાં બોર્ડ-નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબનાં ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે, જેમાં ઘરભાડું, મોંઘવારી ભથ્થું, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે બોર્ડ-નિગમના કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબનાં ભથ્થાં કર્મચારીઓને મળશે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધીન બોર્ડ નિગમના કર્મચારીઓને લાભ મળશે તેમજ રાજ્ય સરકારના ખોટ કરતા નિગમના કર્મીઓને આ વધારાનો લાભ મળશે નહી એમ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.