અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના પર્વને પગલે સરકાર દ્વારા ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને બોનસની જાહેરાત કરી હતી. દરમિયાન જેલ ખાતાના કર્મયોગીઓના વિવિધ ભથ્થામાં વધારાનો સરકારે નિર્ણય લીધો છે. જેલ સિપાઈ, હવાલદાર અને સુબેદારના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં 3500થી 5000નો વધારો કરાયો છે. ફિક્સ પગારના જેલ સહાયકને 3500નો વધારો કરાયો છે. સિપાઈના ભથ્થામાં 4000 રૂપિયાનો વધારો કરાયો છે. તો હવલદારના ભથ્થામાં 4500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સુબેદારના ભથ્થામાં 5000 રૂપિયાનો વધારો કરાયો છે. જાહેર રજાનું વળતર 150થી વધારી 665 કરાયું છે. વોશિંગ એલાઉન્સને વધારીને 25માંથી 500 રૂપિયા કરાયું છે. 29મી ઓગસ્ટ 2022થી મંજૂર થયેલા ધારાધોરણ પ્રમાણે આ ભથ્થાનો લાભ આપાશે. સરકારના નિર્ણયથી જેલ ખાતા કર્મીયોગીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
દિવાળી પર્વ નિમિતે ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લાજપોર મધ્યસ્થ જેલના બંદિવાનો અને સ્ટાફની મુલાકાત લઇ દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ ગૃહરાજ્યમંત્રીએ જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારોના જોહરાત પણ કરી હતી. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના ઘરે આનંદનો દિપ પ્રજ્વલ્લિત થાય એના માટે જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરવામો મહત્વનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તાજેતરમાં જ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો, તેમજ ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો.