Site icon Revoi.in

સોશ્યલ મીડિયાના જમાનામાં દીપાવલી-નૂતન વર્ષ અભિનંદન કાર્ડની ખરીદી ઘટી

Social Share

અમદાવાદઃ એક જમાનો હતો, લોકો દીપોત્સવીની શુભેચ્છા અને નૂતન વર્ષના અભિનંદનના ગ્રીટિંગ્સ કાર્ડ પોતાના સગા-સંબંધીઓ અને મિત્રોને મોકલતા હતા. જેમાં સગા-સંબધીઓને ખાસ કરીને પોસ્ટ દ્વારા ગ્રીટિંગ્સ કાર્ડ મોકલવામાં આવતા હતા. ઘણા લોકો પોતાના અને પરિવારના નામે ગ્રીટિંગ્સ કાર્ડ છપાવતા હતા, તો ઘણા પરિવારો બજારમાંથી કૂદરતી દ્રશ્યો અને ભગવાનના ફોટા સાથેના કાર્ડ ખરીદતા હતા. હવે સોશ્યલ મીડિયાના જમાનામાં વોટ્સએપના માધ્યમથી શુભેચ્છા સંદેશ મોકલાતા હોવાથી ગ્રીટિંગ્સ કાર્ડની ખરીદી ઘટી ગઈ છે.

દીપોત્સવી અને નૂતન વર્ષમાં લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે. પહેલા લોકો રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવતા હતા. જોકે આ પરંપરા ગામડાઓમાં આજે પણ જોવા મળે છે. તેમજ દૂર રહેતા લોકોને ટપાલના માધ્યમથી શુભેચ્છા પાઠવતા હતા. સમય જતાં શુભેચ્છાના ગ્રીટીંગ કાર્ડ બજારમાં આવ્યા અને લોકો તેનો ઉપયોગ કરતા થયા. પરંતુ હાલ સોશિયલ મીડિયાના યુગમાં હવે લોકો કાર્ડને ભૂલી ગયા છે. પરિણામે બજારમાં ગ્રીટીંગ કાર્ડની માંગમાં ઘટાડો થયો છે. હવે સમય બદલાયો છે. સમય સાથે ઘણું પરિવર્તન આવ્યું છે. એક સમયમાં પોસ્ટકાર્ડના માધ્યમથી પત્રવ્યવહાર થતો હતો અને સમયમાં પોસ્ટ ઓફિસમાં ગ્રીટિંગ્સ કાર્ડના ઢગલા જોવા મળતા હતા. દિવાળી અને નૂતન વર્ષ પૂર્વે ગ્રીટીંગ કાર્ડની ખરીદી કરી અને લોકો તેમના માધ્યમથી શુભેચ્છા પાઠવતા હતા. દિવાળી પૂર્વે જ આ ગ્રીટીંગ કાર્ડ મોકલી દેવામાં આવતા હતા અને તહેવારના સમયે સ્નેહી અને મિત્રો તેમજ સંબંધીને મળી જતાં હતાં. પરંતુ જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો ત્યારથી ગ્રીટીંગ કાર્ડની માંગ ઘટી છે.

અમદાવાદના કોટ વિસ્તારમાં ગાંધીરોડ અને રાયપુરમાં એક સમયે દીપોત્સવીના તહેવારમાં ગ્રીટીંગ કાર્ડ ખરીદવા માટે લોકોની ભીડ જામતી હતી. પરંતુ જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું ત્યારથી ગ્રીટીંગ કાર્ડની માંગમાં ઘટાડો થયો છે. આજના સમયમાં આધુનિક ડિઝાઇન વાળા ગ્રીટીંગ કાર્ડ જોવા મળી રહ્યા છે. કાર્ડની કિંમત 20 રૂપિયાથી લઈને 150 રૂપિયા હોય છે. જો કે કેટલાક લોકો આજે પણ ગ્રીટીંગ કાર્ડની ખરીદી કરે છે અને સ્નેહીઓ અને સંબંધીઓને મોકલે છે. પણ આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે. સ્ટેશનરીના શોપ ધારકોના કહેવા મુજબ આજના સમય મુજબ અવનવી ડિઝાઇનના ગ્રીટીંગ કાર્ડ બજારમાં ઉપલબ્ધ છે. તેમાં લક્ષ્મીજી અને શ્રી યંત્ર વાળા ગ્રીટીંગ કાર્ડ જોવા મળી રહ્યા છે. ચાંદીના સિક્કા વાળા ગ્રીટીંગ કાર્ડ જોવા મળી રહ્યા છે અને લોકો તેમની ખરીદી પણ કરી રહ્યા છે.