- રાજ્યની ભાજપ સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
- ખેડૂતોને વળતર માટે સરકાર દ્વારા કરાયો સર્વે
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો હતો. જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. જો કે, અંતિમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદ પાણી ફરી વળ્યાં હતા. દરમિયાન સરકાર દ્વારા અતિવૃષ્ટી અને પૂરના પીડિત ખેડૂતોને દિવાળીના તહેવારો પહેલા જ વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટીથી ખેતીમાં થયેલા નુકસાન અંગે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર થશે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ શકે છે. તેમણે ખાતરના મુદ્દે કહ્યું કે, ફર્ટિલાઇઝરમાં ભાવ વધારાની કોઈ જાણકારી નથી. અતિવૃષ્ટી અને પૂરના કારણે ખેતી અને જમીનને નુકસાન થયું છે. નુકસાનનો રાજ્ય સરકારે સર્વે કરાવ્યો છે. જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને નુકસાનનો અહેવાલ મળ્યો છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરશે. અતિવૃષ્ટિના કાણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. નુકસાનનું વળતર ચૂકવવા માટે રાજ્ય સરકારને અનેક રજૂઆત મળી છે. તમામ ખેડૂતોને સરખો ન્યાય મળે એ માટે સહાય ચૂકવવામાં વિલંબ થયો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખેડૂતોને વાવાઝોડા સહિતની કુદરતી આફતમાં સર્વેના આધારે સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને નિયમિત સિંચાઈ માટે પાણી મળી રહે તથા તેમના વાવેતરનું યોગ્ય વળતર મળી રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.