Site icon Revoi.in

ST કર્મચારીઓની દિવાળી સુધરી, ડ્રાઈવર-કંડક્ટરોના ગ્રેડ-પેમાં કરાયો વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓને આ મહિને પગાર વહેલો આપવાની જાહેરાત કરાયા બાદ હવે એસટીના કર્મચારીઓને ગ્રેડ-પેમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમે દિવાળી પર ડ્રાઈવરો-કંડક્ટરના ગ્રેડ-પેમાં સુધારાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જેમાં ડ્રાઈવરનો ગ્રેડ પે 1800ને બદલે 1900 અને કંડક્ટરનો ગ્રેડ પે 1650ને બદલે 1800 કરવાની મંજૂરી અપાઈ છે. આ સુધારાયેલા ગ્રેડ પેનો અમલ 1લી નવેમ્બર 2021થી લાગુ થશે. જોકે તેમાં અગાઉના સમયગાળાનું કોઈ એરિયર્સ કે નોશનલ બેનિફિટ સાથે ઈન્ક્રિમેન્ટ ગણવાનું રહેશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ એસટીના કર્મચારીઓ ઘણા સમયથી પડતર પ્રશ્નો ઉકેલવાની માગણી કરી રહ્યા છે. અગાઉ પોતાની વિવિધ માંગણીઓને લઇને નિગમના યુનિયનોએ 7મી ઓકટોબરથી માસ સી.એલ પર જવાની જાહેરાત કરી હતી. જોકે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી સાથે બેઠક કર્યા બાદ તેમણે પંદર દિવસમાં એસટી નિગમના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. જેથી માસ સી.એલ પર જવાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા એસ.ટીના કર્મચારીઓના પ્રશ્નોનું નિરકારણ લાવી દેવામાં આવ્યું છે. એસટી નિગમના કર્મચારીઓએ કુલ 18 પ્રકારની અલગ અલગ માંગો રાજ્ય સરકાર સમક્ષ મૂકી હતી. જેમાંથી 4 મુખ્ય માંગ સ્વીકારી લેવામાં આવી છે. જે પૈકી એસટીના ડ્રાઈવરનો ગ્રેડ પે 1800 થી વધારી 1900 રૂપિયા તથા કંડકટરનો ગ્રેડ પે 1650 થી વધારી 1800 સુધી કરવાની જાહેરાતનો અધિકૃત પરિપત્ર કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી ગ્રેડ પેમાં અંદાજે 24 હજાર ડ્રાઇવર અને કંડકટરને લાભ થશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગાઉ રાજ્ય સરકારે વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ આપવાનું સાતમા પગાર પંચ પ્રમાણે હપ્તો રિલીઝ કરવાનું તથા મોંઘવારી ભથ્થામાં વધારો અંગે માંગ અંગે જાહેરાત કરી હતી. જે બાદ હવે ગ્રેડ પે વધારા બાબતે જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે નિગમના સંગઠનોએ જણાવ્યું છે દિવાળી સમયે કેટલીક માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે તે સારી વાત છે આગામી સમયમાં અન્ય માર્ગો પણ ઝડપથી સ્વીકારવામાં આવે છે તેવી રાજ્ય સરકાર પાસે આશા રાખી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ વિવિધ સરકારી કર્મચારીઓને ફિક્સ પગાર અંતર્ગત 19 હજાર 950 ચૂકવવામાં આવે છે. જ્યારે એસ.ટી.ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જે મોટી અસમાનતા છે. આ સિવાય નિગમના નિવૃત્ત થતાં કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર, એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 10 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે તેવી નિગમ માંગ કરવામાં આવી હતી. આ સિવાય લેબર વિભાગ સાથે થયેલા કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5% ટકાનો વધારો આપવા માંગ કરાઈ હતી.