અમદાવાદઃ ગુજરાતમાં હાલ લોકો દિવાળીની ખરીદીમાં વ્યસ્ત બન્યાં છે. બીજી તરફ કેટલાક શખ્સો કમાવી લેવાની લહાયમાં ખાદ્યચીજોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. આવા તત્વોને ઝડપી લેવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. દરમિયાન અમદાવાદ સહિત છ શહેરોમાં ફુડ ટેસ્ટીંગ વાન દોડવાવવામાં આવી રહી છે. જેથી ગણતરીની મિનિટોમાં ફૂડ ટેસ્ટનો રિપોર્ટ મળી જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મિઠાઈ અને અન્ય ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ મુદ્દે ફૂડ ટેસ્ટિંગની ડ્રાઈવનું આયોજન હાથ ધરાયું. જેમાં ફૂડ ટેસ્ટિંગની 6 વાન સ્થળ પર મૂકવામાં આવી છે. જેથી ખબર પડી જાય છે કે, ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ છે કે નહી. તહેવારો દરમિયાન દરેક શહેર અને ગામ્ય વિસ્તારોમાં આ ટેસ્ટિંગ વાન ફરતી રહશે. હાલ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ વાહન સતત ફરી રહી છે. ખોરાકમાં ભેળસેળની તપાસ માટે ભારત સરકારે ખોરાક અને ઔષધ વિભાગને ચાર વાન આપી છે.
વાન મારફતે દૂધનું ટેસ્ટિંગ કરાય તો તેની અંદર યુરિયા કે ડિટર્જન્ટ ઉમેરેલું હોય તો તરત ભેળસેળ પકડી પાડે છે. તહેવારો દરમિયાન ત્રણ હજારથી વધુ નમૂના તપાસ માટે લેવામાં આવ્યા હતા.