અમદાવાદઃ રાજયભરની શૈક્ષણિક સંસ્થાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન આજે વિધિવત રીતે પૂર્ણ થતા આગામી આવતીકાલે તારીખ 22 નવેમ્બરને સોમવારથી શાળા, કોલેજો અને યુનિ. ભવનોમાં બીજા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થશે. કાલે સોમવારે શાળા-કોલેજો વિદ્યાર્થીઓના કોલાહળથી ગુજી ઉઠશે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ 35 જેટલી પરીક્ષાનો પ્રારંભ થશે.
શાળા-કોલેજોમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં કાલે સોમવારથી શાળા-કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં ધો.1 થી 5ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ કરવાની જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે. જ્યાં તેમણે દરેક શાળાઓને જૂના SOPનું ચુસ્તપણે પાલન કરવાની જાહેરાત કરી છે. રાજય સરકાર દ્વારા હવે ધો.1થી 5 ના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ કરવા માટે તત્કાલ મંજૂરી આપવામાં આવે તેવો વાલીઓ અને શાળા સંચાલકોમાંથી સૂર ઉઠ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓની લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન ખૂલતાની સાથે જ આવતીકાલે 22 નવેમ્બરથી અલગ અલગ 35 પરીક્ષા શરુ થશે. જેમાં 130 એક્ઝામ સેન્ટર પરથી 53959 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઓલ્ડ ન્યૂ કોર્સના સેમેસ્ટર 3,5 અને 7 ની પરીક્ષા યોજાશે. જેમાં બી.કોમ. રેગ્યુલર-એક્સ્ટર્નલ વર્ષ 2016 અને 2019 ના 18401 જયારે બી.એ.માં 15056 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
આ સિવાય સેમ.5 ના બી.એસસી.ના 4279, બી.સી.એ.ના 2522, બી.બી.એ.ના 2452, એલ.એલ.બી.ના 1822 છાત્રોની પરીક્ષા યોજાશે. આ ઉપરાંત બી. એ.એલ.એલ.બી. સેમ.3ના વર્ષ 2021 ના 1, સેમ.4 અને 7 ના 2015 ના વર્ષના 1-1 જયારે સેમ.9 ના 1 છાત્ર પરિક્ષા આપશે.130 કેન્દ્ર પરથી લેવાનારી પરીક્ષા માટે 60થી વધુ ઓબ્ઝર્વર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલથી લેવાનાર પરીક્ષા ગત તારીખ 18 ઓક્ટોબરથી શરૂ થવાની હતી જો કે વિદ્યાર્થીઓના વિરોધને લીધે મૌકૂફ રહી હતી અને હવે આવતીકાલથી આ તમામ પરીક્ષા શરૂ થશે