Site icon Revoi.in

ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં 20મી ઓક્ટોબરથી 9મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં હાલ નવરાત્રિ મહોત્સવ ધામધુમથી ઊજવાય રહ્યો છે. નવરાત્રિ બાદ દશેરા અને ત્યારબાદ દિવાળીના પર્વનો પ્રારંભ થશે. એટલે કે દિવાળી ઓક્ટોબરની 25મી તારીખે અને ત્યારબાદ નૂતન  વર્ષનો પ્રારંભ થશે, દરેક પર્વમાં દિવાળીનું મહત્વ સવિશેષ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 20મી ઓક્ટોબરથી 9મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. આમ કૂલ 21 દિવસનું વેકેશન રહેશે. શાળાઓમાં દિવાળી વેકેશનની વિધિવત જાહેરાત કરવામાં આવતા વાલીઓ પણ પોતાના બાળકો સાથે બહારગામ અથવા પ્રવાસે જવાનો કાર્યક્રમ ઘડી શકશે. જોકે ટ્રેનોમાં તો દિવાળીના વકેશન પહેલાના જ બુકિંગ શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં પરપ્રાંતના લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. અને દિવાળીના વેકેશનમાં પોતાના માદરે વતન જતાં હોય છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  શાળાઓમાં દિવાળી વેકેશન નિયત કરવા પરિપત્ર જાહેર કરાયો છે. તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે દિવાળી વેકેશન તારીખ 20-10-2022થી 9-11-2022 સુધી એટલે કે કુલ 21 દિવસનું નિયત કરાયું છે. વેકેશનમાં દિવાળીના તહેવારોમાં વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ તેમજ લાભપાંચમના તહેવારો વિદ્યાર્થીઓ માણી શકશે અને તા.10મી નવેમ્બરથી શાળાઓ ફરી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે. મહત્વનું છે કે, દિવાળી વેકેશનથી પ્રથમ સત્રનો શાળામાં અંત આવશે જ્યારે દિવાળી વેકેશન ખુલશે ત્યારે દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ થઇ જશે.