Site icon Revoi.in

શ્રીલંકામાં 3.85 અબજ ડોલરની એફડીઆઈ, ભારતના ભૂતપૂર્વ પ્રધાનની પત્ની, પુત્ર, પુત્રીના નામ

Social Share

શ્રીલંકાની એક ઓઈલ રિફાયનરીમાં રેકોર્ડ 3.85 અબજ ડોલરના ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં જે સિંગાપુરની કંપનીના તાર જોડાયેલા છે, તેમા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ડીએમકેના નેતા એસ. જગતરક્ષાકનના પરિવારના સદસ્યોની ભાગીદારી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલમાં આના સંદર્ભે ખુલાસો થયો છે. આ ડીલને લઈને શ્રીલંકાના બોર્ડ ઓફ ઈન્વેસ્ટમેન્ટ તરફથી કરવામાં આવેલું એલાન વિવાદોમાં સપડાયું છે. બોર્ડનું કહેવું હતું કે ડીલમાં સિંગાપુરની કંપની સિવાય ઓમાને પણ રોકાણ કર્યું છે. જો કે ઓમાને આ ડીલ સાથે જોડાયેલા અહેવાલોને બુધવારે રદિયો આપ્યો છે.

ધ હિંદુના રિપોર્ટ મુજબ, સિંગાપુરની કંપની સિલ્વર પાર્ક ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડે પોતાની શેયર કેપિટલની 70 ટકા હિસ્સેદારી એટલે કે લગભગ 1887 મિલિયન ડોલર આ અબજો રૂપિયાના પ્રોજેક્ટમાં લગાવવાનો નિર્ણય કર્યો છે. બાકીના 2000 મિલિયન ડોલરની રકમ લોન કેપિટલ તરીકે એકઠી કરવામાં આવશે.

બોર્ડ ઓફ ઈન્વેસ્ટમેન્ટ મુજબ, સિલ્વર પાર્ક ઈન્ટરનેશનલ સિંગાપુરના નેશનલ રેગ્યુલેટર એકાઉન્ટિંગ એન્ડ કોર્પોરેટ રેગ્યુલેટરી ઓથોરિટી સાથે રજિસ્ટર્ડ છે. તેના ચારમાંથી ત્રણ ડાયરેક્ટર છે- જગત રક્ષાકન સંદીપ આનંદ, જગત રક્ષાકન શ્રીનિશા, જગત રક્ષાકન અનુસૂયા. આ ત્રણેય ડીએમકેના નેતા જગતરક્ષાકનના પુત્ર, પુત્રી અને પત્ની છે. શ્રીલંકાના એક સરકારી સૂત્રને ટાંકીને અખબારના અહેવલામાં જણાવવામાં આવ્યું છે કે ડીલ પર રક્ષાન પરિવારના જ એક સદસ્યે હસ્તાક્ષર કર્યા છે.

જો કે બોર્ડ ઓફ ઈન્વેસ્ટમેન્ટે હજી સુધી સત્તાવાર રીતે ભારતીય કારોબારી હિતોનો ઉલ્લેખ કર્યો નથી. તેના કારણે અહીંની ઓઈલ ઈન્ડસ્ટ્રીમાં રોકાણકારો અને તેમના ઓઈલ ઈન્ડસ્ટ્રીના અનુભવોને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ઓમાનના પાછા હટયા બાદ આ સવાલ વધુ ઘેરાયો છે.

એફડીઆઈની જાણકારી મંગળવારે સામે આવી હતી, ત્યારે બોર્ડ ઓફ ઈન્વેસ્ટમેન્ટે કોલંબોમાં એલાન કર્યું હતું કે નવી ઓઈલ રિફાઈનરીમાં સંયુક્ત ઉપક્રમ દ્વારા 3.85 અબજ ડોલરના રોકાણનો વાયદો કરવામાં આવ્યો છે. આ દેશના ઈતિહાસમાં સૌથી મોટી એફડીઆઈ છે.