શ્રાદ્ધના દિવસોમાં કાગ કે શ્વાનને ન કરશો નિરાશ,નહીં તો પિતૃઓ થઈ જશે નિરાશ
શ્રાદ્ધના દિવસોમાં દરેક વ્યક્તિ પોતાના પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટે દાન-પુણ્યનું કામ કરતા હોય છે. પશુ પક્ષીઓને દાણા કે ચણ પણ નાખતા હોય છે માન્યતા એવી છે કે આ સમયમાં કાગ કે શ્વાનને પણ નિરાશ કરવા જોઈએ નહીં કારણ કે તેમને નિરાશ કરવાથી પિતૃઓ પણ નિરાશ થઈ જાય છે.
માન્યતાઓ અનુસાર તો એવું પણ કહેવામાં આવ્યું છે કે પિતૃઓનો સંબંધ પ્રકૃતિ સાથે છે. કહે છે કે પિતૃ પક્ષ દરમ્યાન પિતૃઓ આપણી સમક્ષ કોઇને કોઇ રૂપમાં અવશ્ય આવે છે. એટલે જ આ સમય દરમ્યાન ઘરમાં આવેલ કોઇપણ પશુ, પક્ષી, ગરીબ, કે દુ:ખિયારાને ક્યારેય અનાદર ન કરવો તેમને બિલકુલ નિરાશ ન કરવા તેમની મદદ અવશ્ય કરવી.
જો વાત કરવામાં આવે શ્વાનની તો તેને યમના દૂત માનવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષ દરમ્યાન પંચબલી ભોગ લગાવવો જોઇએ. આ ભોગમાં શ્વાન અને ગાયના નામનો પણ ભોગ લગાવી શકાય છે. એટલા માટે જ પિતૃપક્ષના સમયમાં ગાય અને શ્વાન ઘર પર આવે છે તો તે શુભ ફળ આપનાર સાબિત થાય છે. તેમને અનાજ કે કોઇપણ પ્રકારનું ખાવાનું અર્પણ કરો. પિતૃ પક્ષમાં ગાય માતાની સેવા કરવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે. તેનાથી આપની પર સદૈવ આપના પિતૃઓના આશિષ વરસતા રહેશે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે કાગની તો પિતૃ પક્ષ દરમ્યાન ઘર કે ઘરની છત પર આપણે કાગને કંઇપણ ખવડાવ્યા વિના ન ઉડાડવા જોઇએ. કાગને કોઇપણ પ્રકારનું અનાજ કે દાણાં અવશ્ય ખવડાવવા જોઇએ. તેના પર ગુસ્સો કરવો કે ઉડાડવા ન જોઇએ. તેમ કરવાથી પિતૃઓ નારાજ થઇ શકે છે. આપને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પિતૃપક્ષ દરમ્યાન પિતૃઓને કાગ સ્વરૂપે અન્ન ગ્રહણ કરાવવું જોઇએ. તેનાથી તેમની આત્માની તૃપ્તિ થાય છે. સાથે જ પરિવારના લોકોને તેમના આશીર્વાદ પણ મળે છે. ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો માહોલ સર્જાય છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.