દિલ્હી : ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકોને વિનંતી કરી છે કે તેઓ “અજાણ્યા નંબરો” પરથી આવતા મોબાઈલ ફોન કોલ્સ ન ઉપાડે. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ‘સ્પામ’ (બનાવટી) કોલ અને સાયબર ફ્રોડના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
નકલી ફોન કોલ્સ અને સાયબર છેતરપિંડી અંગેના પ્રશ્નના જવાબમાં, તેમણે પત્રકારોને કહ્યું, “લોકોએ ક્યારેય અજાણ્યા નંબરો પરથી ‘કોલ્સ’ ઉપાડવા જોઈએ નહીં. હું દરેક નાગરિકને વિનંતી કરું છું કે તેઓ ઓળખતા હોય તેવા નંબરો (ટેલિફોન/મોબાઈલ) પરથી જ કોલનો જવાબ આપે. વૈષ્ણવે જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે સ્પામ કૉલ્સ અને સાયબર છેતરપિંડીઓને રોકવા માટે તાજેતરમાં ‘સંચાર સાથી’ પોર્ટલ શરૂ કર્યું છે.
તેમણે કહ્યું કે 40 લાખથી વધુ ખોટા સિમ અને 41,000 ખોટા ‘પોઈન્ટ ઓફ સેલ’ એજન્ટોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી આ કેસોને ઘટાડવામાં ઘણી મદદ મળી છે. મંત્રીએ કહ્યું કે લોકોએ અજાણ્યા નંબરના કોલનો જવાબ ત્યારે જ આપવો જોઈએ જ્યારે આવા કોલર્સ તરફથી કોઈ ઓળખ સંદેશ મોકલવામાં આવ્યો હોય.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી ભારતમાં ઓનલાઈન છેતરપીંડીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અજાણ્યા નંબરથી આંતરરાષ્ટ્રીય નંબર પરથી કેટલાય લોકોના કોલ અને મેસેજ આવતા હોય છે. ઠગો હવે વોટ્સએપ જેવી મેસેજીંગ એપ સુધી પોતાની તાકાત લગાડી પહોચી ગયા છે. આ છેતરપિંડીમાં બેજવાબદાર લોકો છેતરાય છે અને તેમની મહેનતની કમાણી પર હાથ ફેરવી નાખે છે. તેથી છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે નાગરિકોને “અજાણ્યા નંબરો” પરથી મોબાઈલ ફોનને રીસીવ ન કરવા માટે વિનંતી કરી છે.