ભારતમાં ફરવા માટે એટલી બધી જગ્યાઓ છે કે જ્યારે પણ પ્લાન બનાવો હોય ત્યારે ઓછામાં ઓછા એક અઠવાડિયું તો વિચારવું જ પડે કે ફરવા ક્યાં જઈશું. ? તો આવામાં વાત કરીએ સેથાન વેલી વિશે તો કદાચ ઘણા લોકોને આ સ્થળ વિશે જાણ હશે નહી. તો આજે આપણે તેના વિશે જાણીશું.
ફરવા માટે હજારોની સંખ્યામાં લોકો શિમલા મનાલી લેહ લદાખ જતા હોય છે, પણ આ સિવાય ઉતર ભારતમાં નવી જગ્યા ફરવી હોય તો મનાલીથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલા સેથાન ગામમાં જઈ શકો છો. આ ગામ દરિયાની સપાટીથી 2700 મીટરની ઉંચાઈ પર આવેલું છે. શિયાળામાં અહીં ઘણી હિમવર્ષા થાય છે, તેથી ઓક્ટોબર મહિનો અહીંની સુંદરતાને નજીકથી જોવા માટે યોગ્ય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી, જો કે, એડવેન્ચર પ્રેમીઓ માટે પણ અહીં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.
હિમાચલના સેથાનને એક ઓફબીટ ડેસ્ટિનેશન તરીકે માની શકો છો કારણ કે મોટાભાગની ભીડ શિમલા, મનાલી, સ્પીતિ વેલી જેવા સ્થળોએ વહેંચાય છે, જેના કારણે આ સ્થળને હજુ સુધી વધારે લોકોએ એક્સપ્લોર નથી કર્યું. જેનો એક ફાયદો એ છે કે તેની સુંદરતા આજે પણ અકબંધ છે. જો તમે કેમ્પિંગ, હાઇકિંગ, ટ્રેકિંગ, સ્કીઇંગ, સ્નોબોર્ડિંગના શોખીન છો તો ચોક્કસ અહીં આવો. બીજી એક અલગ વસ્તુ જે અહીં જોવા મળશે તે છે ઇગ્લૂ હાઉસ.