શું તમને ચિત્રકૂટના સીતા રસોઈ મંદિરનું રહસ્ય ખબર છે? અહીં છે સીતાજીનો ચૂલો
ભગવાન શ્રી રામના સમયથી લઈને અત્યાર સુધીમાં હજારો વર્ષ પૂર્ણ થઈ ગયા, પરંતુ આજે પણ તેમની હાજરી હોવાના પુરાવા મળતા રહે છે અને લોકોની આ વાત સાથે શ્રધ્ધા પણ જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે સિતારસોઈ મંદિરની તો તેના પણ અનેક રહસ્ય છે જે ભગવાનના જન્મ અને તેમની હાજરી હોવાનો પુરાવો આપે છે.
વાત છે ચિત્રકૂટની કે જે ભાગ ઉત્તર પ્રદેશમાં અને થોડો ભાગ મધ્ય પ્રદેશમાં પડે છે. પણ, અમારે આજે ચિત્રકૂટના એ સ્થાનકની વાત કરવી છે કે જ્યાં દેવી સીતા વનદેવીના રૂપે પૂજાઈ રહ્યા છે! આ એ સ્થાન છે કે જ્યાં માતા સીતાની ઘરવખરી આજે પણ અકબંધપણે સચવાયેલી છે. કહેવાય છે કે ચિત્રકૂટ એટલે તો એ ધરા કે જ્યાં શ્રીરામનું નામ અવિરત ગુંજતું રહે છે. વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ અનુસાર તેમના વનવાસકાળના 14માંથી 11 વર્ષ રામ, સીતા અને લક્ષ્મણે ચિત્રકૂટની પાવની ધરા પર જ વિતાવ્યા હતા.
ચિત્રકૂટના રામઘાટથી લગભગ 3 કિ.મી.ના અંતરે હનુમાનધારા નામે પહાડી આવેલી છે. આ પર્વત તેના અદભુત સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. કહે છે કે જે વ્યક્તિ એકવાર આ પહાડી પરથી ચિત્રકૂટની મનોહરતાને નિહાળી લે છે, તેનો તમામ થાક અને વિષાદ હરાઈ જાય છે. આ પહાડી ઉપર જ સીતારસોઈ મંદિર આવેલું છે. કે જેમાં પ્રવેશતા જ દૃશ્યમાન થાય છે એક અત્યંત સાંકડી ગલી. કોઈ ગુફાના પ્રવેશદ્વાર જેવી આ સાંકડી ગલીમાં જ આવેલું છે રામપ્રિયાનું રસોડું. આ એ રસોડું છે કે જેમાં આજે પણ માતા સીતાની ઘરવખરી સચવાયેલી છે.
પ્રચલીત કથા અનુસાર રામ, લક્ષ્મણ, જાનકીએ અહીં પૂરાં છ માસ નિવાસ કર્યો હતો. તે સમયે ચિત્રકૂટના અલગ-અલગ સ્થાન પર પાંચ મહર્ષિઓનો વાસ હતો. ઋષિ અત્રિ, ઋષિ અગસ્ત્ય, સુતીક્ષ્ણ મુનિ, સરભંગ મુનિ અને મુનિ વાલ્મીકિ. આ પાંચેય ઋષિઓ શ્રીરામચંદ્રજીના દર્શનની અભિલાષાથી હનુમાનધારા આવ્યા.
ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર માન્યતાને આધારે તૈયાર કરવામાં આવી છે, તેનો કોઈ દાવો કરવામાં આવતો નથી.