દિલ્હી: હાલમાં જ સ્વીટી બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ.
સ્વીટી બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે, “જો હું કોઈને બીજાં સાથે કૈંક ખોટું કરતાં જોઈ લઉં તો હું એને બરાબર મારતી. સામેવાલાનું જાણે કચૂંબર બનાવી દેતી. મારવામાં મારા હાથ બહુ ચાલતા.” સ્કૂલમાં સ્વીટી કબડ્ડી રમતી હતી, પરંતુ સ્કૂલના ફ્રેન્ડસ તેને કાયમ ‘બોક્સર’ કહેતા. એ વખતે તો કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે એક દિવસ સ્વીટી ખરેખર જ બોક્સિંગમાં પોતાનું નામ કરશે.
સ્વીટી બુરાએ જોર્ડનના અમ્માનમાં આયોજિત ASBC એશિયન એલિટ ચેમ્પિયનશિપની લાઇટ હેવીવેઇટ 81 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ચમત્કાર સર્જ્યો છે. ટાઇટલ મેચમાં તેણે કઝાકિસ્તાનની ગુલસાયા યેરઝાનને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બુરાએ 2015માં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે ગયા વર્ષે તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ વર્ષે તેણે પહેલી વાર ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. જે વિષે તે જણાવે છે કે, ” આ મેડલ તો મારા ટાર્ગેટની યાદીમાં ત્રીજા નંબરે છે. મારા સૌથી પહેલાં બે ટાર્ગેટ તો ઓલિમ્પિક મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાના છે. આ બંને ટાર્ગેટને મેળવવા માટે અત્યારે હું સખત મહેનત કરી રહી છું.”
જો કે, એશિયન ચેમ્પિયનશિપમાં મળેલી આ જીત પણ સ્વીટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ જીત પણ તેણે પોતાની કારકિર્દીના ઘણાં જ અઘરા સમયે મેળવી છે. ભારતે 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં દેશની અત્યાર સુધીની સૌથી ટોચમાં રહેલી અને સૌથી મોટી બોક્સિંગ ટીમ મોકલી હતી, જેમાં ચાર મહિલાઓ સહિત નવ બોક્સરનો સમાવેશ થાય છે પરંતુ બુરાને તે સમયે ઓલિમ્પિકની ટિકિટ મળી શકી નહોતી. સ્વીટીને આ વાતથી ઘણી અકળામણ અનુભવી હતી અને તેણે લગભગ નવ મહિના સુધી બોક્સિંગ ગ્લવ્ઝને હાથ પણ લગાવ્યો નહોતો.
આ જ સમય દરમ્યાન જુલાઈમાં, સ્વીટીએ ભારતીય કબડ્ડી ટીમના ખેલાડી દીપક નિવાસ હુડ્ડા સાથે લગ્ન કર્યા અને લગ્ન પછી તેનું ધ્યાન ફરી એકવાર કબડ્ડી તરફ ગયું. સ્વીટીએ નેશનલ ગેમ્સ માટે હરિયાણાની સ્ટેટ લેવલની ટીમમાં સ્થાન મેળવવા માટે સ્થાનિક ટુર્નામેન્ટ અને ટ્રાયલમાં ભાગ લેવાનું શરૂ કર્યું.
જ્યારે બોક્સિંગ પર બ્રેક લાગી હતી.
સ્વીટી કહે છે, “તે સમય ઘણો કપરો હતો. પરંતુ મને અનુભવે સમજાયું કે તે સમયે મને ઘણી મજબૂત બનાવી. એવું પણ બની શકતું કે હું કબડ્ડી નેશનલ્સમાં હરિયાણા માટે રમી હોત અને ગોલ્ડ મેડલ જીત્યો હોત. પણ તેનાથી પેલો ભાવ, અંદરની આગ ઠરતી નહોતી. આ સમયે મને એ પણ સમજાયું કે હું માત્ર મેડલ માટે બોક્સિંગ નથી કરતી,પણ તે મારું ઝનૂન હતું. જ્યારે તમે આ વાતને સમજી લો છો ત્યારે પરિસ્થિતિનો સામનો કરવો વધુ સરળ બની જાય છે.”
પોતાના જીવનમાં આ દૃષ્ટિકોણથી આવેલા પરિવર્તન પછી, બુરાએ પોતાની રમત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને પરિણામ પર અપેક્ષા રાખવાની જગ્યાએ તેણે રમતથી મળતાં આનંદ પર ધ્યાન આપ્યું. જેના પરિણામે એશિયન ચેમ્પિયનશિપમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું.
સ્વીટી કહે છે કે પહેલાં હું ટાર્ગેટ નક્કી કરતી અને પછી તેની માટે મહેનત કરતી. પણ હવે હું પોતાની ખુશી માટે બોક્સિંગ કરું છું.
સ્વીટીનો જન્મ હરિયાણાના હિસારમાં એવા પરિવારમાં થયો હતો, જ્યાં રમતગમતને ઘણું પ્રોત્સાહન મળતું હતું. તેમના પિતા મહેન્દ્ર સિંહ એક ખેડૂત હતા, પરંતુ તેઓ પણ રાષ્ટ્રીય સ્તર સુધી બાસ્કેટબોલ રમી ચૂક્યા હતા. સ્વીટી સ્કૂલમાં કબડ્ડી રમતી હતી. દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષાઓના જ સમયે જુનિયર નેશનલ ટુર્નામેન્ટ આવી હતી, એટલે તે સમયે તેણે આ રમત છોડી દીધી. સ્વીટીના પિતા ઈચ્છતા હતા કે દીકરી બી.ટેકનો અભ્યાસ કરે, પરંતુ બુરા રમતગમતમાં આગળ વધવા માંગતી હતી અને તેથી તે બોક્સિંગ તરફ વળી. સ્વીટી કહે છે કે, “જયારે મેં પહેલી વાર બોક્સિંગ ગ્લવ્સ પહેર્યા હતા, ત્યારે રેફરીના અટકાવ્યા પછી તે એક ફાઈટ જીતી હતી. વર્ષ 2008માં સાઈના હિસાર સેન્ટર પર મારા મામા અને ભાઈ સાથે હું ટ્રાયલ માટે ગઈ હતી.”
બોક્સિંગ સ્ટાર બનવાની ધગશ:
“મારી સામેની બોક્સર છ-સાત મહિનાથી બોક્સિંગ કરી રહી હતી. જ્યારે મેં રિંગમાં પ્રવેશ કર્યો, ત્યારે તેણે મને મારીમારીને મારું મોં લાલ કરી દીધું હતું. પહેલા રાઉન્ડ પછી આરામ કરતી વખતે મારા ભાઈએ કહ્યું, ‘દીખા દિએ તુઝે દિન મેં તારે” મને એટલો ગુસ્સો આવ્યો કે જયારે હું રિંગમાં પાછી ગઈ ત્યારે મેં તેને એટલી જોરથી અપરકટ માર્યો કે તે છોકરી ત્યાં જ પડી ગઈ.અત્યારે મને ખબર છે કે તેને અપરકટ કહેવાય છે, પણ ત્યારે મને એ ખબર ન હતી.”
ત્યારે હિસારના સાઈ સેન્ટરના કોચને ખબર પડી કે એક નવી સ્ટાર આવી રહી છે. ઉંચી અને તાકાતવાન સ્વીટીએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. બુરા કહે છે, “મેં અખિલ ભારતીય ટુર્નામેન્ટના તમામ સ્તરને ભેગાં કરીને કુલ 24 ગોલ્ડ મેડલ જીત્યા છે.”
સ્વીટી ખૂબ રફતારથી બોક્સિંગમાં પોતાની જગ્યા બનાવી રહી હતી. પરંતુ 2014ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે સિલ્વર મેડલ જીતશે તેવી કોઈને અપેક્ષા નહોતી. ઓછામાં ઓછું સ્વીટી અને તેના પરિવારને તો કોઈ જ આશા નહોતી. કારણ કે 2014માં જાહેરાત કરવામાં આવી હતી કે, જે રાષ્ટ્રીય રમતમાં ચેમ્પિયન બનશે તે વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી ભાગ લેશે. તે સમયે બુરાને ટાઈફોઈડ થઇ ગયો હતો. ડૉક્ટરોએ તો એ સમયે એવું જ કહ્યું હતું કે સ્વીટી વોર્મ-અપ મેચમાં જ હારી જશે. સ્વીટી એ વાતને યાદ કરતાં કહે છે કે, “મને બાટલો ચઢી રહ્યો હતો. હું એટલી અશક્ત હતી કે જાતે વૉશરૂમમાં પણ જઈ શક્તિ નહોતી. પણ છતાંય મારે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેવો હતો. જો કે ડૉક્ટરોની સલાહ મુજબ મારા પરિવારે તો મને ચૅમ્પિયનશિપમાં મોકલવાની ના જ પાડી દીધી હતી. એટલે હું હોસ્પિટલથી ભાગી અને ટ્રેનથી દિલ્હી પહોંચી. સ્વીટીએ એ સમયે ખાલી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ જ નહોતો લીધો, પણ તે ચેમ્પિયન પણ બની ગઈ. ચેમ્પિયન બનીને તે 2014ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગઈ અને સિલ્વર મેડલ મેળવ્યો.
સ્વીટી એ વાતને યાદ કરતાં કહે છે કે, “તે મારી સૌથી મોટી જીત હતી.”
પણ એ પછી એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલથી તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. હવે તે માર્ચ 2023માં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બમણા જોશ અને ઉત્સાહથી ભાગ લઈ શકશે.જોર્ડનથી સુવર્ણ સફળતા હાંસલ કર્યા બાદ સ્વીટીએ માત્ર એક જ દિવસની રજા લીધી છે અને તરત જ તે ટ્રેનિંગમાં જોડાઈ ગઈ છે.
સ્વીટી કહે છે, “હું રોજના આઠ કલાક પ્રેક્ટિસ કરું છું. એશિયન ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ શાનદાર છે, પણ એનો અર્થ એ નથી કે હું અહીં રોકાઈ શકું.”
આમ, સ્વાભાવિક છે કે સ્વીટીના જોરદાર મુક્કાઓનો વરસાદ હવે વિશ્વમાં ચાલુ જ રહેવાનો છે.
(ફોટો: ફાઈલ)