વૈદિક સાહિત્યમાં રજૂ થયેલો, દેવોને હવિ આપી પ્રસન્ન કરવાનો ધાર્મિક વિધિ. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘યજ્ઞ’ના ‘પૂજા’, ‘ભક્તિ’, ‘દાન’, ‘બલિ’ વગેરે ઘણા અર્થો છે. પરંતુ સામાન્યત: આ શબ્દ ‘યજનકર્મ’ના અર્થમાં રૂઢ થયેલો છે એવી ‘નિરુક્ત’(3–4–19)માં નોંધ છે. ‘ભાટ્ટદીપિકા’ (4–2–12) આની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દેવતાને ઉદ્દેશીને જેમાં મુખ્યત્વે અગ્નિમાં દ્રવ્યત્યાગ કરવામાં આવે છે, તે ‘યજ્ઞ’ છે. ‘મત્સ્યપુરાણ’ (144–44) માને છે કે યજ્ઞ એટલે પંચસંયોગ. તેમાં દેવોનો, હવિર્દ્રવ્યોનો, ઋક્-સામ-યજુષ્નો, ઋત્વિજોનો અને દક્ષિણાઓનો સંયોગ (થાય) છે.
ભાગવત, વિષ્ણુપુરાણ અને દેવીભાગવતમાં યજ્ઞવૃત્તાન્ત આ રીતે આપ્યો છે : સ્વાયંભુવ મન્વન્તરમાં મનુની પુત્રી આકૂતિ હતી. તેનાં લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયેલ. આકૂતિ અને રુચિના પુત્ર તે યજ્ઞ. યજ્ઞ વિષ્ણુના સાતમા અવતાર હતા. આ મન્વન્તરમાં તેઓ સ્વર્ગમાં ઇન્દ્ર હતા. સ્વયંભૂ મનુ તેમને પોતાનો પુત્ર માનતા હતા. યજ્ઞની પત્નીનું નામ દક્ષિણા. તે બંનેને બાર પુત્રો થયા. તે દેવ અથવા સુયજ્ઞ તરીકે જાણીતા થયા. તેમનાં નામ આ પ્રમાણે છે – તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાન્તિ, ઇડાપતિ, ઇદ્ધ્મા, કવિ, વિભુ, સ્રદન, સુદેવ અને વિરોચક. જૉન ડૉસનની માન્યતા સાચી જણાય છે કે પુરાણોનો આ યજ્ઞદક્ષિણાવૃત્તાન્ત યજ્ઞની જ પ્રતીકાત્મક રજૂઆત છે. આ રીતે યજ્ઞ દ્વારા ‘યજનકર્મ’ જ અભીષ્ટ છે.
શ્રીમદભગવદગીતા ‘યજ્ઞ’ના 3 પ્રકાર ગણાવે છે : સાત્વિક (17–11), રાજસ (17–12) અને તામસ (17–13).
(1) સાત્વિક : ફળની આશા રાખ્યા વગર, (આ મારી) ફરજ છે એવું ખ્યાલમાં રાખીને, (મારે) યજ્ઞ કરવો જ જોઈએ, એ રીતે મનથી નક્કી કરીને, જે યજ્ઞ કરે છે, તે યજ્ઞ ‘સાત્વિક’ છે.
(2) રાજસ : ફળને લક્ષમાં રાખીને અને દંભ માટે જ જે યજ્ઞ કરવામાં આવે છે, તે યજ્ઞ ‘રાજસ’ છે;
(3) તામસ : શાસ્ત્રવિધિ જેમાં ન જળવાય, જેમાં અન્ન આપવામાં ન આવે, જેમાં મંત્રો ન પ્રયોજાય, જેમાં દક્ષિણા ન અપાય, જે શ્રદ્ધા વગરનો હોય, તે યજ્ઞ ‘તામસ’ કહેવાય છે.