મુંબઈઃ ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી અમુદાન કંપનીમાં ગુરુવારે બપોરે એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. આગમાં નજીકની વધુ ત્રણ કંપનીઓને લપેટમાં આવી હતી અને નજીકમાં આવેલ હ્યુન્ડાઈનો શોરૂમ પણ બળીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ કર્યાં છે.
આજે શુક્રવારે એનડીઆરએફની ટીમે ડોમ્બિવલીમાં અમુદાન કેમિકલ કંપનીમાં થયેલા અકસ્માતમાં ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને આ અકસ્માતમાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા 64 લોકોની ડોમ્બિવલીની અનેક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે અમુદાન કેમિકલ કંપનીના માલિક મલય પ્રદીપ મહેતા અને માલતી પ્રદીપ મહેતા સામે ગુનો નોંધ્યો છે. એનડીઆરએફની ટીમ હજુ પણ લાપતા કામદારોના મૃતદેહોને કૂલીંગ અને શોધવાનું કામ કરી રહી છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે મોડી રાત્રે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત આ ઘટનામાં મૃતકોના આશ્રિતોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને મફત સારવાર આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે આચારસંહિતા બાદ અહીંની તમામ કંપની ફેક્ટરીઓને અંબરનાથ MIDCમાં શિફ્ટ કરવામાં આવશે. એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત્રે ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાસ્થળે રાતથી કૂલીંગની કામગીરી ચાલી રહી છે. આજે સવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. આ કારણોસર, સ્થળ પર ખૂબ જ કાળજીપૂર્વક કૂલિંગનું કામ ચાલી રહ્યું છે.