ઓક્સિજનનના અભાવ વચ્ચે તબીબે પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીને વૃક્ષનું વાવેતર કરવા કરી અપીલ
મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. વિવિધ હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. એટલું જ નહીં ઓક્સિજનની અછત પણ ઉભી થઈ છે. ઓક્સિજનની અછતના કારણે કેટલાક દર્દીઓના મોત થયાં હોવાનું પણ સામે આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રમાં એક તબીબે લખેલુ પ્રિસ્ક્રિપ્શન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જેમાં તબીબે પ્રકૃતિ અંગે બે લાઇનમાં જ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોનાવાલાના એક ડોકટરે દર્દીના પ્રિસ્ક્રિપ્શન પર મરાઠીમાં લખ્યું છે કે, જ્યારે તમે સ્વસ્થ થઇ જાઓ, ત્યાર પછી એક ઝાડ જરૂર રોપજો.ક્યારેય ઓક્સિજનનો અભાવ રહેશે નહીં. તબીબની લખેલી આ પ્રિસ્ક્રિપ્શન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ડોક્ટરે આ સમયે સાવચેતી રાખવી અને પ્રકૃતિ સાથે છેડા કરવાનું બંધ કરવાની સલાહ આ રીતે પ્રિસ્ક્રિપ્શન પર લખીને લોકોને આપી છે. આ ઉપરાંત જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓમાં ઓક્સિજન સિલિન્ડરોની માંગ વધી છે. દરેક હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો ન હોવોની ફરિયાદો ઉઠી છે. કેન્દ્ર સરકાર સિંગાપોર અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) થી ઓક્સિજન વહન કરવામાં સક્ષમ ક્ષમતાવાળા ટેન્કરોની આયાત કરવા માટે વાતચીત કરી રહી છે. ઓક્સિજનનો પુરવઠો વધારવા માટે બંધ થયેલા ઓક્સિજનના પ્લાન્ટ ફરી શરૂ કરવા આદેશ આપ્યા છે.