અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતા કોરોના કહેરથી ડરવા કરતા સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. જે પ્રકારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તે જોતા આગામી 15 દિવસ લોકોએ સાચવવું ખૂબ જ જરૂરી છે. આ 15 દિવસ બતાવશે કે હવે કઈ દિશામાં જવું. એટલું જ નહીં હવે લોકો બહાર નીકળે તો સાદા કપડાંના માસ્ક પહેરવા કરતા N95 માસ્ક પહેરવું વધુ હિતાવહ બની રહેશે તેમ અમદાવાદના તબીબોનું માનવું છે.
અમદાવાદના સિવિલ હોસ્પિટલના તબીબોના મતે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. આગામી 15 દિવસ લોકોએ સાચવવું ખૂબ જ જરૂરી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાં કુલ 17 પોઝિટિવ દર્દીઓ દાખલ છે. જેમાં 16 કોરોનાના અને 1 ઓમિક્રોનનો દર્દી છે. આ દર્દીઓમાં 12 સ્ટેબલ છે. 2 પેશન્ટ બાયપેપ પર છે. તેઓએ વેકસીન નથી લીધી. 3 પેશન્ટ ઓક્સિજન પર છે. જે રીતે કેસ વધી રહ્યા છે તેની સામે દાખલ થવાની સંખ્યા ઓછી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના અગ્રણી તબીબે જણાવ્યું હતું કે, કોરોનાની હાલ પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે પણ ક્યારે વધશે તે કહેવું મુશ્કેલ છે. લોકોએ મેળવડામાં જવાનું ટાળવું જોઈએ. હવે લોકો બહાર નીકળે તો સાદું કપડાંનું માસ્ક પહેરવા કરતા N95 માસ્ક પહેરવું વધુ હિતાવહ બની રહેશે. કોરોનાની ત્રીજી લહેર મામલે સિવિલ હોસ્પિટલ પુરી રીતે સજ્જ છે. સિવિલ કેમ્પસની હોસ્પિટલ મળી મેડિસિટીમાં 2500થી 3 હજારબેડની વ્યવસ્થા કરાઈ છે. 1200 બેડ હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરાયા છે. 550 ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરાઈ છે. બે ઓક્સિજન ટેન્ક 20 હજાર લીટરની કેપેસીટી સાથેની વ્યવસ્થા કરાઈ છે. ઓક્સિજન જનરેટ ર પ્લાન્ટ સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત દવાઓમાં બીજી લહેર કરતાં દોઢ ગણી દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. કલાસ વન થી કલાસ 3 સુધીના તમામ લોકોને ટ્રેનિગ આપી દેવાઈ છે. મહત્વનું છે કે માત્ર સિવિલ હોસ્પિટલ જ નહીં કોરોના ના વધતા કેસો સામે AMC હોસ્પિટલ પણ સજ્જ બની ચુકી છે. 20 હજાર લીટર ઓક્સિજનનો જથ્થો SVP હોસ્પિટલમાં જ્યારે 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ LG હોસ્પિટલમાં અને શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડની તૈયારી કરાઈ છે.