દિલ્હીઃ કે કોઈપણ ડૉક્ટર તેના દર્દીને જીવનની ખાતરી આપી શકે નહીં. તે ફક્ત તેની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ ઇલાજ કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કોઈ કારણોસર દર્દી મૃત્યુ પામે તો તબીબી ઉપર સારવારમાં બેદરકારીને લઈને આરોપ ના લગાવી શકાય. તેમ સર્વોચ્ચ અદાલતે એક અરજીની સુનાવણીમાં કહ્યું હતું. બેદરકારી માટે તબીબોને દોષી ઠેરવી શકાય નહીં.
કેસની હકીકત અનુસાર 22મી એપ્રિલ 1998ના રોજ હોસ્પિટલમાં દાખલ થયેલા દિનેશ જયસ્વાલના દર્દીનું 12મી જૂનના રોજ મૃત્યુ થયું હતું. હોસ્પિટલે તેમની પાસેથી સારવારના રૂ. 4.08 લાખ લીધા હતા. દરમિયાન પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ગેંગરીન માટેના ઓપરેશન બાદ બેદરકારી દાખવવામાં આવી હતી, ડોક્ટર વિદેશ પ્રવાસે હતા અને ઈમરજન્સી ઓપરેશન થિયેટર ઉપલબ્ધ નહોતું. મૃતકના પરિવારજનોએ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ કરી હતી. જેથી આયોગે મૃતકના પરિવારજનોને રૂ. 14.18 લાખ ચુકવવા નિર્દેશ કર્યો હતો. જેની સામે સુપ્રીમ કોર્ટેમાં બોમ્બે હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટર દ્વારા અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હેમંત ગુપ્તા અને વી રામ સુબ્રમણ્યમની બેંચે અરજી ગ્રાહ્ય રાખી હતી. કેસના દસ્તાવેજ અને રજુઆતોને ધ્યાનમાં રાખીને
ખંડપીઠે કહ્યું, “આ એક એવો કેસ છે જ્યાં દર્દી હોસ્પિટલમાં દાખલ થયા પહેલા પણ ગંભીર સ્થિતિમાં હતો પરંતુ શસ્ત્રક્રિયા અને સારવાર છતા દર્દી બચી શક્યો ના હતો. તો તેને તબીબની બેદરકારી ના કહી શકાય. આ તબીબી બેદરકારીનો કેસ નથી. બેન્ચે ફરિયાદીની દલીલને ફગાવી દીધી હતી કે સર્જરી એક જ ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ દર્દીની સારવારના વિવિધ પાસાઓ માટે તે એકલા જ જવાબદાર રહેશે. ખંડપીઠે તેને “ખોટી માન્યતા” ગણાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હોસ્પિટલમાં રોકાણ દરમિયાન ડૉક્ટર દર્દીની સતત સાથે રહે તેવી આશા રાખવી યોગ્ય નથી. આ કેસમાં ફરિયાદી દ્વારા પણ એવી જ અપેક્ષા હતી. ડૉક્ટર પાસેથી યોગ્ય કાળજીની અપેક્ષા રાખવામાં આવે છે. માત્ર હકીકત એ છે કે ડૉક્ટર વિદેશ ગયા હતા પરંતુ તેને તબીબી બેદરકારીનો કેસ કહી શકાય નહીં.
સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે નિષ્ણાત ડોકટરોની ટીમ દર્દીની સંભાળ લે છે પરંતુ નિયતિને કંઈક બીજુ જ મંજુર હતું. પરિવારે તેમના પ્રિયજનને ગુમાવ્યા છે તુ દુઃખદ છે પરંતુ હોસ્પિટલ અને ડૉક્ટરને દોષી ઠેરવી શકાય નહીં કારણ કે તેઓએ દરેક સમયે જરૂરી કાળજી લીધી હતી. સુપર-સ્પેશિયાલાઈઝેશનના વર્તમાન યુગમાં, એક ડૉક્ટર દર્દીની તમામ સમસ્યાઓનો ઉકેલ નથી. દરેક સમસ્યાનો નિકાલ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાત દ્વારા કરવામાં આવે છે. તબીબી બેદરકારી માટે હોસ્પિટલ અને ડૉક્ટરને દોષી ઠેરવતા કમિશનના તારણો કાયદા અનુસાર યોગ્ય નથી. વચગાળાના આદેશ હેઠળ ફરિયાદીને ચૂકવવામાં આવેલા પાંચ લાખ રૂપિયા એક્સ-ગ્રેટિયા પેમેન્ટ તરીકે ગણવામાં આવશે.