Site icon Revoi.in

ડોક્ટર્સ ડે: મેડિકલ ઈમરજન્સીમાં સંજીવની સમાન ‘હીરો’ ને SVPIA ની સલામ!, એક વર્ષમાં 210 મુસાફરોની સફળતાપૂર્વક સારવાર

Social Share

અમદાવાદ, 30 જૂન, 2023:  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈમરજન્સી મેડિકલ સારવાર આપવામાં અવ્વલ છે. એરપોર્ટ પર એક વર્ષમાં 210 દર્દીઓને સફળતાપૂર્વક ઈમરજન્સી મેડિકલ સારવાર આપવામાં આવી છે. અતિવ્યસ્ત SVPI એરપોર્ટ પર દર્દીઓને ગંભીર કટોકટીમાંથી બહાર લાવવા તાત્કાલિક પગલાં લેવામાં કોઈ કચાસ રાખવામાં આવી નથી. SVPIA આજે ડોક્ટર્સ ડે પર એ તમામ તબીબોની સેવાને બિરદાવે છે. આજે SVPI એરપોર્ટ મેડિકલ ટીમના એ તમામ હીરોનો આભાર વ્યક્ત કરે છે જેમણે મુસાફરોને મેડિકલ ઈમરજન્સીના સંકટ સમયે તબીબી સહાય કરી ઉગાર્યા. આ સાથે જ તે એરપોર્ટની મેડિકલ ટીમની સુસજ્જતા પણ દર્શાવે છે.

અમદાવાદ એરપોર્ટ ખાતે યાત્રીઓ માટે 24×7 તબીબી ટીમ ઉપલબ્ધ રાખવામાં આવે છે. જેમાં કોઈપણ સમયે આઈસીયુ ઓન વ્હીલ્સ સ્ટેન્ડ પણ રહે છે. મુસાફરોની સલામતી અને સેવાઓ માટે પ્રતિબદ્ધ અમદાવાદ એરપોર્ટની ટીમ તેના સ્ટાફ માટે પણ પ્રાથમિક સારવાર અને CPR વર્કશોપ પણ અવારનવાર આયોજીત કરે છે.

SVPI એરપોર્ટ પર ચાર ડોક્ટરો, આઠ નર્સિંગ સ્ટાફ અને ICU ઓન વ્હીલ્સની સેવાઓ ધરાવે છે. વળી દરેક ટર્મિનલમાં એક એમ બે મેડિકલ રૂમ છે. આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પર આવતા મુસાફરોનાં સ્ક્રીનિંગ માટે APHO ટીમ તૈનાત છે. તમામ મેડિકલ અને પેરામેડિકલ ટીમોની મદદથી અમદાવાદ એરપોર્ટે ડોમેસ્ટિક ટર્મિનલ પર 120 અને ઈન્ટરનેશનલ ટર્મિનલ પર 90 ઈમરજન્સીઝ હેન્ડલ કરી છે.

મેડિકલ ટીમ મુસાફરોને એપીલેપ્સી ફીટ, હાર્ટ એટેક, ગ્લુકોઝનું નીચું સ્તર, હવામાનમાં બદલાવ વગેરેના કારણે ઉભી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પહોંચાડે છે. વર્ષ દરમિયાન કટોકટીના સમયે તાબડતોબ સારવાર પહોંચાડનાર ડોક્ટર ન હોય તેવા બાહોશ ફરજનિષ્ઠ હીરોને પણ એરપોર્ટે પ્રશંસા-પુરસ્કાર એનાયત કર્યા છે. તેનું તાજુ ઉદાહરણ ડિસેમ્બરની એક ઘટના છે. જેમાં સુરક્ષા તપાસમાં મુસાફરોમાંથી એકને હૃદયરોગનો હુમલો આવ્યો CISFના એક કર્મચારીએ તરત જ CPR કરાવ્યું. ત્યારબાદ પેસેન્જરને મેડિકલ ટીમ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અન્ય એક ઘટનામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મિડ એર ટર્બ્યુલન્સને કારણે ઈજાગ્રસ્ત મુસાફરોને એરપોર્ટ પરની ટીમે તાત્કાલિક સારવાર કરી. એરપોર્ટ પરની મેડિકલ ટીમ પાસે કટોકટી દરમિયાન હૃદયની બિમારીઓ દૂર કરવાના જરૂરી તમામ સાધનો અને દવાઓ ઉપલબ્ધ છે. સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ અને નવીનતમ તકનીકી સહાય તબીબી ટીમને ખાતરીપૂર્વક મદદ કરે છે.

તબીબી સહાય માટે કૉલ કરવા માટે મુસાફરો અથવા તેમના સંબંધીઓ કોઈપણ એરપોર્ટ સ્ટાફનો સંપર્ક કરી શકે છે. એરપોર્ટ પરના તમામ સ્ટાફને ત્વરિત પ્રતિભાવ માટે તબીબી ટીમ અને એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી સંપર્ક નંબરો આપવામાં આવે છે. એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોની સલામતી અને સુખાકારી જાળવી એરપોર્ટને પસંદગીનું એરપોર્ટ બનાવવા માટે SVPIA પ્રતિબદ્ધ છે.