અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સમક્રમણ વધતુ જાય છે. કોરોનાને બીજો તબક્કો ઘાતક હોવાનું લોકો પણ સ્વીકારી રહ્યા છે. હવે લોકો સામેથી જ લોકડાઉન માગી રહ્યા છે. કોરોના વધી રહેલા કેસોને પગલે જુદા જુદા ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ એક જ પ્લેટફોર્મ પર આવ્યા હતા. તેમણે સાથે મળીન સ્વંયભૂ લોકડાઉન ની માગ કરી છે. ડોક્ટરો, સંતસમાજ અને કલાક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓએ એકસાથે મળીને લોકડાઉનની માંગ કરી હતી. જેમાં ડો. દિલીપ માવળંકર, ડો. મુકેશ મહેશ્વરી, ડો. વસંત પટેલ, અભિલાશ ઘોડાએ સ્વંભૂ લોકડાઉનની અપીલ કરી છે.
ડો. વસંત પટેલે જણાવ્યુ હતું કે, હાલ રાજ્યભરમાં હોસ્પિટલ ફૂલ છે, બેડ નથી મળી રહ્યા, આ સ્ટ્રેઇનમાં ઓક્સિજનની જરૂર દર્દીઓને પડી રહી છે. જે સમસ્યા સર્જાઇ છે તે જોતા અમે સરકારને લોકડાઉન ની અપીલ કરીએ છીએ. ગુજરાતના લોકો સ્વયંભૂ લોકડાઉન કરે તેવી અપીલ કરીએ છીએ. તો ડો. મુકેશ મહેશ્વરીએ કહ્યું કે, સ્વયંભૂ લોકડાઉન જરૂરી છે, આર્થિક નુકસાન થશે પણ હવે સમયની જરૂરિયાત લોકડાઉનની છે. આપણે એકબીજાને મદદ કરવી પડશે. ડોકટરો 24 કલાક સેવામાં હાજર છે. આપણે ભેગા રહીશું તો જ જીતી શકીશું. હાઇકોર્ટે પણ કેટલાક સૂચનો સરકારને આપ્યા છે. હાલ આપણે સરકારની સાથે રહેવાની જરૂર છે. બે અઠવાડિયા હાલ લોકડાઉન ખુદ કરીએ એ જરૂરી છે.
ડો. દિલીપ માવળંકરે કહ્યું હતું કે, ગયા વેવ કરતા આ વેવ ત્રણ ગણી ગતિથી આગળ વધી રહ્યો છે. ICU ફૂલ છે, દવા ખૂટી રહી છે, ઓક્સિજનની ઉણપ થઈ રહી છે, ડોક્ટરો પણ થાક્યા છે. આ સ્થિતિમાં સરકાર જે કરે એમાં આપણે શું કરી શકીએ એ જરૂરી છે. આ રોગ લોકોને થઈ રહ્યો છે, સરકારનો રોગ નથી. આજે આરટીપીસીઆરના ટેસ્ટ માટે ઇન્તેજાર કરવો પડે છે, રિપોર્ટ અવવામાં સમય લાગી રહ્યો છે. તેથી રસી લેવાના ક્રાઇટેરિયામાં હોઈએ તો રસી ફરજીયાત લેવી જોઈએ. રસીથી કઈ થતું નથી, 90 – 100 વર્ષના લોકોએ પણ રસી લીધી છે. જેટલી ઝડપથી રસીકરણ થશે એટલો લાભ મળશે. આસપાસના લોકોને મદદ જોઈએ તો મન તન ધન અને લાગવગ લગાવીને મદદ કરવાનો સમય આવ્યો છે. હું તો પ્રેક્ટિસ નથી કરતો પણ જે કરી રહ્યા છે એ જાણે છે કે સ્થિતિ કેવી છે. નવો સ્ટ્રેઈન આવે છે અને આવ્યા કરશે. આ લડાઈ ટૂંક સમયમાં જીતીશું એવું લાગતું નથી. હજી પણ કેસો વધશે એવું લાગી રહ્યું છે.