Site icon Revoi.in

ખાનગી હોસ્પિટલોમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર રાખવાના AMCના નિર્ણય સામે તબીબો શુક્રવારે હડતાળ પાડશે

Social Share

અમદાવાદઃ શહેરની ખાનગી હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના બાદ મ્યુનિ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસીના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જેમાં હોસ્પિટલોમાં ICU વોર્ડ ફરજિયાત ગ્રાઉન્ડ ફ્લોર રાખવાના નિયમ સામે તબીબી આલમે વિરોધ કર્યો છે. ખાનગી હોસ્પિટલોના સંચાલકોનું કહેવું છે. કે, ICU વોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનો નિર્ણય અયોગ્ય છે. કારણ કે ઓપરેશન થિયેટરની પાસે જ ICU વોર્ડ હોવો જોઈએ. ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વોર્ડ તબદીલ કરવાથી અનેક મુશ્કેલીઓ સર્જાશે. ખાનગી હોસ્પેટલના તબીબોએ મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગના અવિચારી નિર્ણયો સામે શુક્રવારે હડતાળ જવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ICU મામલે આપવામાં આવેલા નિર્દેશ બાદ મેડિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા સામે વિરોધ વ્યક્ત  કરવા ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા 22 જુલાઈને શુક્રવારે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. 22 જુલાઈએ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી અને OPD સેવાઓ બંધ કરી દેવાશે. રાજ્યના તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો હડતાળ પર ઉતરશે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર દિલીપ ગઢવીએ જણાવ્યું હતુ કે,  માત્ર ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં પણ ક્યાંય તમામ ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. 22 જુલાઈએ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી અને OPD સેવાઓ બંધ કરી દેવાશે. હડતાળ દરમિયાન દર્દીઓ સરકારી અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ઈમરજન્સી અથવા OPDની સારવાર લઈ શકશે. ICU ગ્રાઉન્ડ પર ના હોય એના અનેક કારણો છે જેને સમજવા જોઈએ. જો ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તો દર્દીને ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. OPDમાં દર્દીઓના સગા અને અન્ય દર્દીઓનું આવનજાવન હોવાને લીધે દર્દીને અપાતી સારવારમાં પણ મુશ્કેલી થઈ શકે છે. ICU કઈ હોસ્પિટલમાં છે તેના મ્યુનિ. કોર્પોરેશન પાસે ડેટા છે. છતાંય મ્યુનિ. કોર્પોરેશન તમામ ખાનગી હોસ્પિટલોને ફરી હેરાન કરી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં પણ ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી, ત્યાં બીજા, ત્રીજા અને ચોથા માળે ICU આવેલા છે. જો અમારી સાથે આવી જ રીતે અન્યાય થાય તો હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે ICU ચલાવવા મુશ્કેલ બનશે. 95 ટકા હોસ્પિટલમાં ICU બીજા, ત્રીજા કે ચોથા માળે આવેલા હોય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરાયેલા નિર્ણયથી સરકાર અવગત જ હશે પણ સરકારે તાત્કાલિક ICU અંગેના નિર્દેશ અંગે નિર્ણય બદલવો જરૂરી છે નહીં તો 95 ટકા ખાનગી હોસ્પિટલમાં ICUની સારવાર અશક્ય બનશે.

સૂત્રોના જણાવ્યા મુજબ AMCના ફાયર વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ઓરલ ઓર્ડર મુજબ કેટલાક નવા નિયમો લાગુ કરવા માટે ખાનગી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે અને સાત દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે હોસ્પિટલોને જણાવવામાં આવ્યું છે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા નોટિસ મળતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓની સમજણ ઉપર પણ સવાલ ઉભા કર્યા છે. અમદાવાદ શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી બાદ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને હોસ્પિટલો દ્વારા ફાયર સેફટી લઇ લેવામાં આવી હતી.