ભુજમાં તાલુકા પંચાયત કચેરીના રેકર્ડ રૂમમાં આગ લાગતા કોમ્પ્યુટર, સહિત દસ્તાવેજો ભસ્મીભૂત
ભૂજ : શહેરની તાલુકા પંચાયત કચેરીના રેકર્ડ રૂમમાં એકાએક આગ લાગતાં જરૂરી કાગળો તેમજ કોમ્પ્યુટર, ઝેરોક્ષ મશિન સહિતના ઉપકરણો બળીને ખાક થઈ ગયા હતા. ભુજ ખાતે તાલુકા પંચાયતની કચેરીના રેકર્ડ રૂમમાં મોડી સાંજે આગે દેખા દીધી હતી. ફેબ્રિકેટેડ રૂમ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં માર્ગેથી પસાર થતા લોકો ટોળે વળ્યા હતા. બનાવ અંગે ભુજ સુધરાઈની ફાયર શાખામાં જાણ કરાતાં ત્રણ ગાડી સાથેની ટીમ ઘટનાસ્થળે ધસી જઈ આગ ઓલાવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ભૂજ શહેરમાં આવેલી તાલુકા પંચાયતની કચેરીના રેકર્ડરૂમમાં એકાએક આગ લાગતાં જરૂરી કાગળો તેમજ કોમ્પ્યુટર, ઝેરોક્ષ મશિન સહિતના ઉપકરણો બળીને ખાક થઈ ગયા હતા આગની જાણ થતાં જ સુધરાઈ અધ્યક્ષ ઘનશ્યામ ઠકકર તથા મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી દોડી આવ્યા હતા. આ બનાવ અંગે તાલુકા પંચાયત પ્રમુખ મંજૂલાબેન ભંડેરીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું જણાઈ રહ્યું છે. રૂમમાં ભૂકંપ પહેલાં અને પછીનું જૂનું રેકર્ડ, નિવૃત્ત કર્મચારીઓની પેન્શન બુકો તેમજ મનરેગાની બુકો સહિતનું રેકર્ડ બળીને ખાક થઈ ગયું છે. જો કે, કેટલું નુકસાન થયું છે તે આગ ઓલવાયા બાદ જ ખ્યાલ આવી શકશે. જો કે, ફાયર શાખાની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનો તપી રહ્યો છે અને ઠેક ઠેકાણે આગના બનાવો પણ વધી રહ્યા છે. રેકર્ડરૂમમાં આગ લાગતા મહત્વના દસ્તાવેજો પણ બળીને ખાક થઈ ગયા હતા.