રાજકોટઃ શહેરમાં કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. દરેક શેરીઓમાં કૂતરા રખડતા જોવા મળી રહ્યા છે. વધતી જતી કૂતરાઓની સંખ્યાને કારણે લાંબા ગાળાના પગલા ભરી શકાય તે માટે સરકારની સૂચનાથી રાજકોટમાં આરએમસી દ્વારા રખડતા શ્વાનોનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લે રાજકોટમાં 2015ની સાલમાં આવો સર્વે કરાયો હતો. 8 વર્ષ બાદ ફરી શ્વાનોનો સર્વે કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અંદાજે ત્રણેક મહિના ચાલનારા આ સર્વે માટે અંદાજે રૂ. 5 લાખનો ખર્ચ થવાની શક્યતા છે.
રાજકોટ મ્યુનિ.ના વેટરનરી ઓફિસરના કહેવા મુજબ શહેરમાં કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. થોડા મહિના પહેલા બાળકોને શ્વાન કરડી જવાની ઘટનાઓના પગલે શહેરના જંગલેશ્વર સહિતના વિસ્તારમાં શ્વાન પકડવા ખાસ ડ્રાઇવ ચલાવવી પડી હતી. જોકે, શ્વાનોને પકડી, ખસીકરણ કરી જે તે વિસ્તારમાં ફરી છોડી મૂકવા માટે નિયમ હોવાથી શ્વાનોનો શહેર બહાર નીકાલ કરી શકતો નથી. આથી આ સમસ્યાનું કોઇ કાયમી સમાધાન નથી. શહેરમાં ક્યાં વિસ્તારોમાં શ્વાનની વસતી વધુ છે. તે જાણવા માટે શ્વાનની ગણતરી કરવામાં આવશે.
આરએમસી દ્વારા શહેરમાં રખડતા શ્વાનોનો સર્વે કરવામાં આવશે. જેનાથી મેલ, ફિમેલ અને બચ્ચા સહિત કુલ કેટલા શ્વાનો છે, તે જાણી શકાશે. તે મુજબ રસીકરણ તેમજ ખસીકરણની કામગીરી કરવામાં મોટી મદદ મળશે. આ સર્વે માટે સરકાર માન્ય એજન્સીને કામ સોંપવામાં આવશે. જેના દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શ્વાનોની ગણતરી કરવામાં આવશે. આ માટે અંદાજે રૂપિયા 5 લાખ જેટલો ખર્ચ થવાની શક્યતા છે. છેલ્લે થયેલા સર્વેમાં રાજકોટમાં 32 હજાર જેટલા શ્વાન નોંધાયા હતા. જોકે, નવા પાંચ વિસ્તાર રાજકોટમાં ભળ્યા હોવાથી સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, હાલ શહેરના જે વિસ્તારોમાં વધુ ફરિયાદો આવે ત્યાં મ્યુનિ. દ્વારા શ્વાન પકડવાની કામગીરી કરવામાં આવે છે. તે બાદ ખસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે. આરએમસી દ્વારા દર વર્ષે આ કામગીરી પાછળ સવા કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. સમયાંતરે શ્વાનોના ખસીકરણ થતા રહે છે, પરંતુ નવા શ્વાનોના જન્મ પણ થાય છે તે હકીકત છે. એકંદરે લોકો પરનું જોખમ ટાળવા માટે શ્વાન વસતિ નિયંત્રણમાં લાવવાનું કામ થઇ રહ્યું છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં આ કામગીરી રાજ્ય સરકારની સૂચનાથી શરૂ કરાશે. રાજકોટ મ્યુનિ.એ કામ આપવા માટે ટેન્ડર બહાર પાડતા તા. 8 ફેબ્રુઆરી સુધીમાં ઓફર સ્વીકારવામાં આવશે. કામ અપાયા બાદ રખડતા કૂતરાઓના સર્વેની કામગીરી 3 મહિના સુધી ચાલશે. સર્વેનો મુખ્ય હેતુ શ્વાનોની સંખ્યા જાણવાનો અને હાલની સ્થિતિએ તેમાંથી કેટલાના ખસીકરણ અને હડકવા વિરોધી રસીકરણ થયા છે તે જાણવાનો છે. ખસીકરણ વગરના અને રસી વગરના શ્વાનોની સંખ્યા જાણવા મળે તે બાદ નવેસરથી કામગીરી શરૂ કરાશે.