Site icon Revoi.in

વડોદરામાં કૂતરાંનો ત્રાસ, હરણી રોડ પર પાંચ લોકોને બચકાં ભર્યા, મ્યુનિ.નું તંત્ર નિષ્ક્રિય

Social Share

વડોદરાઃ શહેરમાં રોજબરોજ કૂતરાંનો ત્રાસ વધતો જાય છે. શહેરની કોઈ પણ સોસાયટી કે મહોલ્લામાં કૂતરાંઓ રખડતા જોવા મળતા હોય છે. રાત્રીના સમયે તો સ્કુટર કે બાઈકસવારો નિકળતા પણ ડરતા હોય છે. કૂતરા પાછળ પડવાની ઘટના તો હવે સામાન્ય બની રહી છે. મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને અનેક ફરિયાદો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. તાજેતરમાં જ શહેરના હરણી રોડ પર પાંચ જેટલા લોકોને કૂતરાએ બચકાં ભર્યા હતા. ત્યારે રોડ પર રખડતા કૂતરાઓને પકડવાની માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો  નાગરિકોની ફરિયાદોના ઉકેલ માટે કોઈ ધ્યાન આપતા નથી. શહેરના માર્ગો ઉપર રઝળતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ આપવામાં મ્યુનિ,ના સત્તાધિશો  નિષ્ફળ તો ગયા જ છે. પરંતુ, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શેરી કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ ગયા છે.  શહેરના હરણી સવાદ ક્વાર્ટરમાં છેલ્લા બે દિવસમાં પાંચ લોકોને કૂતરાઓ કરડતા ભયનો માહોલ ફેલાયો છે. સવાદ ક્વાર્ટરના રહિશોએ જણાવ્યું હતું કે સવાદ ક્વાર્ટરમાં રખડતા કૂતરાઓએ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ કરી દીધું છે. છેલ્લા બે દિવસ દરમિયાન પાંચ લોકો પર હુમલો કરી ઈજા પહોંચાડી છે. ગઈકાલે સવારે પણ કૂતરાઓએ હુમલો કરી બે વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી.

સ્થાનિક રહિશોના કહેવા મુજબ, કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે અમે કોર્પોરેશનના સંબંધિત વિભાગને અવારનવાર ફોન કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. સવાદ ક્વાર્ટરમાં રહેતાં બાળકોને ઘરની બહાર રમવું પણ મુશ્કેલ બની ગયું છે. સવાદ ક્વાર્ટરમાં કોઈને હાથે તો કોઇને પગ ઉપર કૂતરા કરડ્યા છે. સવાદ ક્વાર્ટરમાં ત્રાસરૂપ બનેલા કૂતરાઓથી મ્યુનિ. કોર્પોરેશન મુક્તિ અપાવે તેવી અમારી માંગ છે.

સવાદ ક્વાર્ટરમાં રહેતી મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારા બાળકોને ઘરની બહાર રમવા મોકલી શકતા નથી. મ્યુનિ. કોર્પોરેશનના સંબંધિત વિભાગમાં અનેક વખત રજૂઆત કરવા છતાં, કૂતરા પકડી જવામાં આવ્યા નથી. હજુ મ્યુનિ.કોર્પોરેશન વધુ લોકોને કૂતરા કરડે તેની રાહ જોઇ રહ્યું છે. તેવો સવાલ કરી, સવાદ ક્વાર્ટસમાથી કૂતરા પકડી જવા માંગ કરી છે.