રાજકોટઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. અને રાહદારીઓને કૂતરા કરડવાના બનાવોમાં વધારો નોંધાયો છે.ગત એપ્રિલથી નવેમ્બર સુધી એટલે કે નવ મહિનામાં 6500થી વધુ લોકોને શ્વાન કરડ્યાના બન્યા હતા. જ્યારે ડિસેમ્બર મહિનાના 15 દિવસમાં જ 282 લોકોને શ્વાને બચકા ભર્યા છે. રાજકોટમાં 2008થી સતત ખસીકરણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખસીકરણ પાછળ ખર્ચના આંકડા પર નજર કરીએ તો 4.52 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. ખસીકરણના નામે કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવી રહ્યો છે. ખરેખર ખસીકરણ કરાયું હોય તો કૂતરાની વસતી કેમ વધી રહી છે એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એક તરફથી શ્વાનના ખસીકરણ ઝુંબેશના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરમાં શ્વાનની વસ્તીનો વિસ્ફોટ અને શ્વાનના કરડવાના એક બાદ એક બનાવો બની રહ્યા છે. મ્યુનિ. દ્વારા શ્વાન ખસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ નવ મહિનામાં શ્વાનના કરડવાના 6500થી પણ વધુ કિસ્સાઓનોંધાતા મે આવતા રાજકોટમ્યુનિ.કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઊઠ્યા છે. તાજેતરમાં રાજકોટના વોર્ડ નંબર 17માં આવેલા ઉદ્યોગિક ગણાતા એવા અટીકા વિસ્તારમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી શ્વાનનો અનહદ ત્રાસ છે. અહીંના રહિશોનું કહેવું છે કે, મહિનામાં ચારથી પાંચ જેટલા લોકોને શ્વાન કરડવાનો ભોગ બનવું પડે છે. મ્યુનિ,કોર્પોરેશનના સબંધિત વિભાગને આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. જો કે આજ સુધી કોઈ પણ પ્રકારનું કાયમી નિરાકરણ આવ્યું નથી.બીજી તરફ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સતત દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે 2008થી ખસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે.
સૂત્રોના કહેવા મુજબ 2008 પૂર્વે રાજકોટમ્યુનિ.કોર્પોરેશનની હદમાં 40,000થી 45,000 શ્વાન હતા. બાદમાં ક્રમશઃ સાત જેટલા નવા ગામડાઓ પણ મનપાની હદમાં ભેળવવામાં આવ્યા છે. તેમ છતાં હાલ શ્વાનની વસ્તી રાજકોટ શહેરમાં 30,000ની આસપાસ હોવાનું કહેવાય છે. સાથે જ ખસીકરણની ઝુંબેશ માત્ર લોકડાઉનના સમયે બેથી ત્રણ મહિના જ બંધ રહી હતી. આ સિવાય 2008થી લઈ અત્યારસુધી ખસીકરણની ઝુંબેશ શરૂ છે. ત્યારે હાલ તો મ્યુનિ. દ્વારા પોતાની કામગીરીને લઈને બણગા ફૂકવામાં આવી રહ્યા છે. બીજી તરફ લોકો શ્વાનના કરડવાનો ભોગ બની રહ્યા છે. તંત્ર દ્વારા શ્વાનોને પકડવાનું સદંતર બંધ જ કરી દેવામાં આવ્યું હોવાને કારણે શ્વાનની વસતી ઘટવાને બદલે સતત વધી રહી છે અને હવે તો શહેરના અનેક રસ્તાઓ ઉપર ટોળાં સ્વરૂપે શ્વાનો અડ્ડો જમાવીને બેસી જાય છે તેથી જરૂરી કામસર બહાર નીકળતાં લોકોને સૌથી પહેલી ચિંતા શ્વાનોની સતાવવા લાગી છે.