રાજકોટઃ એરલાઈન્સ કંપનીઓ પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને ભાડાંમાં વધઘટ કરતા હોય છે. ત્યારે નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ઘણાબધા લોકો બહારગામ ફરવા માટે જતાં હોવાને લીધે ડોમેસ્ટિક એરલાઈન કંપનીઓએ પ્રવાસીઓનો ગરજનો લાભ ઊઠાવવા ભાંડામાં બમણો વધારો કરી દીધો છે. એમાં રાજકોટથી મુંબઇ-દિલ્હીના એરફેરમાં ચાર ગણો વધારો થતા પ્રવાસીઓમાં નારાજગી ઊભી થઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નાતાલ અને 31મી ડીસે. ની ઊજવણી માટે ગુજરાતમાંથી અનેક પ્રવાસીઓ દિલ્હી, મુંબઇ અને ગોવાની પસંદગી કરતા હોય છે પ્રવાસીઓના વધતા જતા ઘસારને ધ્યાને લઇ એર લાઇન્સ કંપનીઓએ તક ઝડપી ભાડામાં વધારો ઝીંકી દીધો છે. હાલ રાજકોટથી મુંબઇનું ભાડું પ્રતિ પેસેન્જર રૂા.22 હજાર અને રાજકોટ-દિલ્હી અનુક્રમે 13,15 અને 17 હજાર સુધી પહોંચતા પ્રવાસીઓમાં જબરો ઉહાપોળ મચી ગયો છે. તેમ છતા 31મી સુધીના તમામ દિવસોમાં મુંબઇ દિલ્હીની ફલાઇટોમાં બુકીંગો ફુલ હોવાનું જાણવા મળ્યુ છે. નાતાલ પર્વની રજાઓમાં એનઆરઆઇની વધુ પડતી આવન જાવન અને રાજકોટ ખાતે ચાલી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મહોત્સવમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં હવાઇ માર્ગે હરિભકતોનું આગમન થઇ રહયું છે. બીજી તરફ 31 ફર્સ્ટ ઊજવણી માટે મુંબઇ દિલ્હી જવાનો મોટો ક્રેઝ અને પર્યટન સ્થળ ગોવા જવા પર્યટકોમાં ઘસારો રહેતા એર લાઇન્સ કંપનીઓએ જાણ લુંટ ચલાવી હોય તેમ ભાડામાં સામાન્ય દિવસો કરતા ચાર ગણા ભાડા વધારી દીધા છે. આગામી 31મી ડિસે. સુધી રાજકોટ મુંબઇનું ટિકીટ ભાડુ રૂા.22 હજાર, દિલ્હીનું ટિકીટ ભાડુ રૂા.13,15 અને 17 હજાર સુધી પહોંચ્યું છે. આ પ્રકારની ઉઘાડી લૂંટ કોણ રોકે ? તેવા સવાલો ઉઠી રહયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડોમેસ્ટિક એરલાઈન કંપનીઓ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. તેથી કંપનીના માલિકો દ્વારા પ્રવાસીઓની ગરજનો લાભ લઈને ભાડાં વધારવામાં આવતા હોય છે. વિમાની સેવા માટે વખતોવખત ઘા નાખતી ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ પણ એર લાઇન્સ કંપનીઓની નફાખોરી સામે ચૂપ છે. રાજકોટથી દિલ્હી, મુંબઇનું એરફેર મુખ્યત્વે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો, ઉનાળુ વેકેશનમાં ઉચા જતા હોય છે પરંતુ હાલ નાતાલ અને 31મી ડિસે.ને બાદ કરતા મોટા તહેવારો નહીં હોવા છતા એર લાઇન્સ કંપનીઓએ એરફેર ત્રણથી ચાર ગણા કરી નાખતા મુસાફરોમાં ઉહાપોહ ઊઠ્યો હોવાનું ટ્રાવેલ એજન્ટો પણ જણાવી રહયા છે.