રાજકોટઃ શહેરથી 32 કિલોમીટર દુર રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે નજીક હીરાસર ગામ પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે ઉદ્ઘાટન થયાના દોઢ મહિના પછી નવા એરપોર્ટ પરથી ડોમેસ્ટીક ફ્લાઈટ 10મી સપ્ટેમ્બરથી ઉડાન ભરશે. જોકે શહેર વચ્ચે આવેલું જુનું એરપોર્ટ બંધ કરી દેવાશે.
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આગામી 10 સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન નવા એરપોર્ટ પરથી થશે અને જૂના એરપોર્ટ પરથી આઠ સપ્ટેમ્બરે છેલ્લી ફ્લાઈટ ઉડાન ભરશે, નવમી સપ્ટેમ્બરે એરપોર્ટ પર ફ્લાઈટનું સંચાલન બંધ રહેશે. 10મી સપ્ટેમ્બરે નવા એરપોર્ટ પરથી સેવા કાર્યરત બની જશે.
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (એન્જિનિયરિંગ) દ્વારા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર સુનિલકુમાર શર્માને સર્ટિફિકેટ ફાળવવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે. કે, નવું એરપોર્ટ ડોમેસ્ટિક ફ્લાઈટના સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યું છે અને હવે અહીંથી ફ્લાઈટની ઉડાન ભરી શકાય તેમ છે. આ સર્ટિફિકેટ મળી ગયા બાદ રાજકોટ એરપોર્ટ દ્વારા 10 સપ્ટેમ્બરથી નવા એરપોર્ટ પરથી જ તમામ પ્રકારની ફ્લાઈટનું સંચાલન કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે તૈયારીઓનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે. બીજી બાજુ જૂનું એરપોર્ટ કે જ્યાં અત્યાર સુધીમાં લાખો જેટલા મુસાફરોએ ઉડાન ભરી છે તેને આઠ સપ્ટેમ્બરે બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત નવ સપ્ટેમ્બરે રાજકોટમાં એક પણ ફ્લાઈટનું સંચાલન નહીં થાય અને દસ સપ્ટેમ્બરથી તમામ મુસાફરોએ હિરાસરથી જ ફ્લાઈટ પકડવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા એરપોર્ટનું ઉદ્ઘાટન થયું છે ત્યારથી લઈને આજ સુધીમાં દરેક મુસાફરોને ટિકિટ ઉપર નવા એરપોર્ટ પરથી જ ફ્લાઈટ પકડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાને કારણે અનેક મુસાફરો ગોટે ચડ્યા હતા. જો કે હવે ફાઈનલી 10 સપ્ટેમ્બરથી નવું એરપોર્ટ કાર્યરત થઈ જનાર હોવાને કારણે મુસાફરોએ સીધું હિરાસર ખાતે જ પહોંચવું પડશે. બીજી બાજુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા 8 સપ્ટેમ્બરે જૂના એરપોર્ટનો કબજો ગુજરાત એવિએશન મંત્રાલયને સોંપી દેવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, નવું એરપોર્ટ રાજકોટથી 32 કિલોમીટર દૂર હોવાને કારણે હવેથી ફ્લાઈટ પકડવા માટે મુસાફરોએ ટેક્સીના ભાડારૂપી મોટો ચાંદલો કરાવવો પડશે. જૂનું એરપોર્ટ શહેરની વચ્ચોવચ્ચ હતું તેથી મુસાફરો સરળતાથી રિક્ષા મારફતે પણ ત્યાં પહોંચી શકતા હતા. જો કે નવું એરપોર્ટ શહેરથી ઘણું જ દૂર હોવાને કારણે મુસાફરોએ કાં તો ટેક્સી કાં તો બસનો સહારો લેવો પડશે. જો ટેક્સીમાં કોઈ મુસાફર નવા એરપોર્ટ પર જશે તો તેમણે અંદાજે બે હજાર રૂપિયા જેટલો ખર્ચ થશે. આ જ રીતે જો બસમાં જશે તો તેનું ટિકિટભાડું પણ ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત ખાસ કરીને મુસાફરોએ 32 કિલોમીટરનું અંતર કાપી એરપોર્ટ પહોંચવાનું હોવાથી ઘરેથી પણ વહેલું નીકળવું પડશે.