અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટીક પ્રવાસી ઘટ્યા પણ વિદેશના ટ્રાફિકમાં 125 ટકાનો વધારો નોંધાયો
અમદાવાદઃ કોરોનાને લીધે જાહેર પરિવહન સેવાને પણ ઘણુંબધું સહન કરવું પડ્યું છે. જેમાં વિમાની સેવાનો પણ સમાવેશ થાય છે. શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ગત મહિને કોરોનાને લીધે તેમજ દિવસ દરમિયાન રન-વે બંધ રહેતા ડોમેસ્ટીક પેસેન્જરોમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જાન્યુઆરી મહિનામાં અમદાવાદ સહિત દેશભરમાં કોરોના કેસ વધી રહ્યા હતા. તેની સાથે અમદાવાદ એરપોર્ટના રનવેનું રિકાર્પેટિંગ કામ 17 જાન્યુઆરીથી શરૂ થતા અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી ડોમેસ્ટિક ફ્લાઈટોની સંખ્યામાં 26 ટકા જેટલો ઘટાડો થવાની સાથે પેસેન્જરોની સંખ્યામાં પણ 23 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જો કે આ સમય દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી ઈન્ટરનેશનલ ફ્લાઈટો 77 ટકા વધવાની સાથે પેસન્જોરની સંખ્યામાં પણ 125 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. એ જ રીતે અમદાવાદ એરપોર્ટ પરથી કાર્ગો મૂવમેન્ટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેમાં ઈન્ટરનેશન કાર્ગોમાં 34 ટકાનો અને ડોમેસ્ટિક કાર્ગોમાં 10.5 ટકાનો વધારો નોંધાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર જાન્યુઆરી 2022 દરમિયાન ઈન્ટરનેશનલ પેસેન્જરોમાં વધારો થવાની સાથે ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જેના પગલે એરપોર્ટ પર આવતા કુલ પેસેન્જરોની સંખ્યામાં પણ 12.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.. બીજી બાજુ એપ્રિલ 2021થી જાન્યુઆરી 2022 સુધી કુલ ઈન્ટનરેશનલ પેસેન્જરોની સંખ્યા 451509 નોંધાઈ હતી. જ્યારે આ જ સમયગાળામાં 2020-21માં 124938 પેસેન્જરો નોંધાતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ત્રણ ગણો જેટલો વધારો નોંધાયો હતો. એજરીતે આજ સમયગાળામાં ગત વર્ષે 2404725 પેસેન્જરોની સામે આ વર્ષે 4053949 પેસેન્જરો નોંધાતા કુલ પેસેન્જરોની સંખ્યામાં 69 ટકા જેટલો વધારો નોંધાયો હતો..
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જાન્યુઆરીમાં એરપોર્ટ પરથી 4061 મેટ્રિક ટન વસ્તુઓની મૂવમેન્ટ થતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 34 ટકાનો વધારો નોંધાયો હતો. ડોમેસ્ટિક કાર્ગોમાં 3162 મેટ્રીક ટન વસ્તુઓની મૂવમેન્ટ થવાની સાથે ગત જાન્યુઆરીની સરખામણીમાં 10.5 ટકાનો વધારો થયો છે. આમ એરપોર્ટ પરથી કુલ કાર્ગો મૂવમેન્ટમાં 22.6 ટકાનો વધારો નોંધાયો હતો.