Site icon Revoi.in

દેશમાં ઘરેલુ હિંસા અધિનિયમ તમામ મહિલાઓને લાગુ પડે છેઃ સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હીઃ જસ્ટિસ બી.વી. નાગરથનાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ડીવી એક્ટ (ઘરેલું હિંસા અધિનિયમ) 2005 તમામ મહિલાઓને લાગુ પડે છે. આ કાયદો ભારતીય બંધારણમાં મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટે છે અને તે તમામ મહિલાઓને સમાનરૂપે લાગુ પડે છે. આ કાયદો સિવિલ કોડ જેવો છે અને તે ભારતની તમામ મહિલાઓને લાગુ પડે છે. સ્ત્રી કયા ધર્મ કે સમુદાયની છે તેનાથી કોઈ ફરક પડતો નથી. આ તમામ ધર્મો અને સમુદાયોની મહિલાઓને લાગુ પડે છે. મહિલાએ કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.

કેસની હકીકત અનુસાર, ફેબ્રુઆરી 2015 માં, મહિલાએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં DV એક્ટ હેઠળ ભરણપોષણ ભથ્થા વગેરે માટે અરજી દાખલ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે અરજી સ્વીકારી લીધી અને દર મહિને રૂ. 12,000 ભરણપોષણ ભથ્થું અને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. મહિલાના પતિએ આ નિર્ણયને પડકાર્યો હતો. અપીલ કોર્ટે વિલંબના આધાર પર અરજી ફગાવી દીધી હતી. જે બાદ પતિએ ફરીથી અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે પતિની અરજી સ્વીકારી હતી. કોર્ટે આ કેસ નીચલી કોર્ટના મેજિસ્ટ્રેટને મોકલ્યો અને અરજી પર ફરીથી વિચાર કરવા જણાવ્યું હતું. જેથી મહિલાએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જો કે, હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટને DV એક્ટની કલમ 25 હેઠળ મહિલાના પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ડીવી એક્ટની કલમ 25 હેઠળ અરજી દાખલ કરી શકાય છે, પરંતુ આ અરજી ત્યારે જ દાખલ કરી શકાય છે જ્યારે સંજોગોમાં ફેરફાર થયો હોય. સંજોગોમાં બદલાવ પછી હુકમમાં ફેરફાર માટે અરજી દાખલ કરી શકાય છે. અહીં સંજોગોમાં ફેરફાર એટલે આવકમાં ફેરફાર વગેરે. તેનો અર્થ એ કે જ્યારે સંજોગોમાં ફેરફાર થાય ત્યારે કલમ 25 (2) નો ઉપયોગ કરી શકાય છે.
બેન્ચે કહ્યું છે કે પતિ તેના દ્વારા ચૂકવવામાં આવેલા પૈસા પરત કરવા માટે અરજી દાખલ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે અપીલ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયોને ફગાવી દીધા હતા.