જ્યોર્જટાઉન: ડોમિનિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને COVID-19 રોગચાળા દરમિયાન કેરેબિયન રાષ્ટ્રને મદદ કરવામાં તેમના યોગદાન અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને વધારવા માટેના તેમના સમર્પણ માટે દેશના ટોચના એવોર્ડથી સન્માનિત કર્યા છે. વડાપ્રધાનને ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટન દ્વારા “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર” એનાયત કરવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થઈને હું ગૌરવ અનુભવું છું. હું આ ભારતના 140 કરોડ લોકોને સમર્પિત કરું છું.” વડા પ્રધાને બીજી પોસ્ટમાં કહ્યું, ”આ સન્માન મારી ભારતની બહેનો અને ભાઈઓને સમર્પિત છે. તે આપણા દેશો વચ્ચેના અતૂટ સંબંધોને પણ પ્રતિબિંબિત કરે છે.”
“આ પુરસ્કાર વડા પ્રધાનના નેતૃત્વ અને કોવિડ-19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને સમર્થન તેમજ ભારત-ડોમિનિકા સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને માન્યતા આપવા માટે છે,” તેમ વિદેશ મંત્રાલયે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
ડોમિનિકાના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટની પોસ્ટના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટ, હું તમારા શબ્દોથી અભિભૂત છું. નમ્રતા અને કૃતજ્ઞતા સાથે હું ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’ સ્વીકારું છું.”