Site icon Revoi.in

એલિઝાબેથને આપેલી ભેટ ભૂલી ગયા ટ્રમ્પ, મેલાનિયાએ અપાવ્યું યાદ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

Social Share

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયાની સાથે ઇંગ્લેન્ડના ત્રણ દિવસના પ્રવાસે છે. અહીંયા તેમણે સોમવારે બકિંઘમ પેલેસમાં મહારાણી એલિઝાબેથ 2 સાથે મુલાકાત કરી. આ દરમિયાન એલિઝાબેથે ઘોડાની એક મૂર્તિ બતાવીને પૂછ્યું કે શું આ તમને યાદ છે? તેના પર ટ્રમ્પ મૂંઝવણમાં પડી ગયા. ત્યારે મેલાનિયાએ કહ્યું, ‘મારા હિસાબથી આ એ જ છે, જે આપણે મહારાણીને ગિફ્ટ આપી હતી.’ સોશિયલ મીડિયા પર ટ્રમ્પની મજાક ઉડી રહી છે.

ટ્રમ્પે જુલાઈ 2018માં વિન્ડસર પેલેસની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે ઘોડાની મૂર્તિ ભેટ તરીકે મહારાણીને આપી હતી. આ વખતે ટ્રમ્પે મહારાણીને એક તસવીર ભેટમાં આપી છે. બકિંઘમ પેલેસ પહોંચ્યા ત્યારે ટ્રમ્પનું ભવ્ય સ્વાગત થયું. તેમને ગ્રીન પાર્કમાં બંદૂકોની સલામી આપવામાં આવી.

પત્રકાર એમિલી એન્ડ્ર્યુઝે ટ્વિટર પર આ ઘટના શેર કરી. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર ટ્રમ્પની મજાક ઉડવા લાગી. એક યુઝરે લખ્યું, ‘ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા સામાન્ય પરિણિત યુગલ જેવા છે. ક્યાંક જતી વખતે પત્નીઓ હંમેશાં ગિફ્ટ પકડીને ઊભી રહે છે. બંને મળીને તેને સોંપે છે પરંતુ પતિઓ ધ્યાન નથી આપતા કે તેમાં શું છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘અમેરિકન કરદાતાઓની કમાણીમાંથી ભેટ આપવામાં આવી રહી છે. આ પૈસા જરૂરી વસ્તુઓમાં ખર્ચ કરવામાં આવવા જોઈએ.’

મુલાકાત દરમિયાન મહારાણીએ કહ્યું કે યુએસ અને યુકે મજબૂત સંબંધોની સાથે આગળ વધી રહ્યા છે. બંને સંપૂર્ણ ઇમાનદારીથી સંબંધો નિભાવી રહ્યા છે અને નિભાવતા રહીશું. આ મુલાકાત પહેલા ટ્રમ્પે ટ્વિટમાં લખ્યું હતું કે અમેરિકા-બ્રિટનના સંબંધો ઘણા મજબૂત છે. તેમણે બંને દેશો વચ્ચે કોઈ મોટા કરાર પર સહી હોવાના સંકેત પણ આપ્યા.