અમેરિકાના સંરક્ષણ વિભાગના અટોર્ની રહેલા અનુરાગ સિંઘલ ફ્લોરિડાના જજ બનનારા પહેલા ભારતીય મૂળના અમેરિકન
- અનુરાગ સિંઘલ ફ્લોરિડાના જજ બનનારા પહેલા ભારતીય મૂળના અમેરિકન હશે
- અનુરાગ સિંઘલ અમેરિકાના સંરક્ષણ વિભાગમાં અટોર્ની તરીકે કરી ચુક્યા છે કામ
- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનુરાગ સિંઘલને કર્યા છે પદનામિત
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડાના 54 વર્ષીય ભારતવંશી અનુરાગ સિંઘલનને ફેડરલ જજ તરીકે પદનામિત કર્યા છે. વ્હાઈટ હાઉસ તરફથી સેનેટને મોકલવામાં આવેલા 17 જજોના નામમાં તેમના નામનો પણ સમાવેશ થઈ રહ્યો છે. સિંઘલ ફ્લોરિડાના જજ બનનારા પહેલા ભારતીય મૂળના અમેરિકન હશે. તેઓ જેમ્સ આઈ. કોહનનું સ્થાન લેશે.
સિંઘલ ફ્લોરિડામાં આ પદ માટે નામિત થનારા પહેલા ભારતીય છે. સેનેટની જ્યુડિશિયરી કમિટી દ્વારા જજના નામની પુષ્ટિ બુધવારે થવાની છે. તેઓ 2011થી ફ્લોરિડામાં 17મી સક્રિટ કોર્ટમાં કાર્યરત છે.
સિંઘલે રાઈસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે વેક ફોરેસ્ટ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત રાજ્યના અટોર્નીની ઓફિસમાં પ્રોસિક્યૂટર તરીકે કામથી કરી હતી.
સિંઘલના માતાપિતા 1960માં અમેરિકા ગયા હતા. સિંઘલ દશકાઓ સુધી સંરક્ષણ વિભાગના પણ વકીલ રહી ચુક્યા છે. તેમના પિતા અલીગડના વતની હતા અને તેઓ રિસર્ચ સાયન્ટિસ્ટ હતા. તેમના માતા દહેરાદૂનના વતની હતા.
આ પહેલા ટ્રમ્પે કેલિફોર્નિયામાં અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટે ફેડરલ જજના પદ પર ભારતીય મૂળના અમેરિકન અટોર્ની શિરીન મેથ્યૂઝને નામિત કર્યા હતા. એશિયન-અમેરિકન સંસ્થા નેશનલ એશિયન પેસિફિક અમેરિકન બાર એસોસિએશનએ આના સંદર્ભે ટ્રમ્પના વખાણ કર્યા હતા.
એનએપીએબીએનું કહેવું હતું કે જો તેમના નામ પર સંમતિ બને છે, તો તેઓ એશિયા – પેસિફિક ક્ષેત્રની પહેલી મહિલા હશે, જે આ પદ પર આસિન થશે. તેની સાથે જ તે પહેલા ભારતીય મૂળના અમેરિકન હશે કે જેઓ આર્ટિકલ થર્ડ ફેડરલ જજ બનશે.