અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે આની જાણકારી અમેરિકાની સંસદને આપી દીધી છે. ભારત સિવાય તુર્કીની સાથે પણ અમેરિકા કારોબારી સંબંધ તોડવા જઈ રહ્યું છે. ટ્રમ્પના આ નિર્ણયની જાણકારી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ રોબર્ટ લાઈટ્ઝરે આપી છે.
શું છે જીએસપી?
જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ એટલે કે જીએસપી અમેરિકાનો ટ્રેડ પ્રોગ્રામ છે. તેના પ્રમાણે અમેરિકા વિકાસશીલ દેશોમાં આર્થિક પ્રગતિ મટે પોતાને ત્યાં માલસામાનની કરમુક્ત આયાત કરે છે. અમેરિકાએ દુનિયાના 129 દેશોને આવી સુવિધા આપી છે. આ દેશોમાંથી 4800 પ્રોડક્ટને આયાત કરવામાં આવે છે. અમેરિકાના ટ્રેડ એક્ટ 197 પ્રમાણે પહેલી જાન્યુઆરી-1976ના રોજ જીએસપીની રચના કરવામાં આવી હતી.
શું હોય છે સમગ્ર કાર્યવાહી?
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તરફથી નિર્ણય પર હસ્તાક્ષર કર્યાના 60 દિવસનું નોટિફિકેશન મોકલવામાં આવ્યું છે. જીએસપી સમાપ્ત કરવાની આ કાયદેસરની પ્રક્રિયા છે. ભારત અને તુર્કીની લગભગ બે હજાર પ્રોડક્ટ પર આની અસર થશે. આમા ઓટોપાર્ટ્સ, ઈન્ડસ્ટ્રિયલ વાલ્વ અને ટેક્સટાઈલ મટીરિયલ્સ મુખ્ય છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ઈચ્છે તો આ નિર્ણયને પાછો લઈ શકે છે. પરંતુ તેના માટે ભારત અને તુર્કીને અમેરિકાના પ્રશાસનની ચિંતાને દૂર કરવી જરૂરી છે.
2017માં ભારત વિકાસશીલ દેશોમાં એકલો એવો દેશ હતો કે જેને જીએસપી હેઠળ સૌથી વધારે લાભ મળતા હતા. ભારતમાંથી અમેરિકાએ 5.7 બિલિયન ડોલરની આયાત કોઈપણ પ્રકારના ટેક્સ વગર કરી હતી. જ્યારે તુર્કી પાંચમા ક્રમાંક પર હતું. તુર્કીમાંથી અમેરિકાએ 1.7 અબજ ડોલરની ડ્યૂટી ફ્રી આયાત કરી હતી. ગત વર્ષ એપ્રિલમાં અમેરિકાએ એલાન કર્યું હતું કે તેઓ ભારત અને તુર્કીને મળનારી રાહત પર વિચારણા કરશે, કારણ કે અમેરિકાની કેટલીક ડેરી અને મેડિકલ કંપનીઓએ ફરિયાદ કરી હતી કે આનાથી સ્વદેશી કારોબાર પર મોટી અસર પડી રહી છે.
ભારત, તુર્કી પર કેટલી અસર?
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિર્ણયથી પહેલા કહ્યુ હતુ કે ભારતે વોશિંગ્ટનને એ વાતને લઈને આશ્વસ્ત કર્યું નથી કે તેઓ પોતાની બજારમાં પણ અમેરિકાની પ્રોડક્ટની પહોંચ ક્યાં સુધી અને કેટલી સરળ બનાવશે. તુર્કી સંદર્ભે ટ્રમ્પે કહ્યુ છે કે ત્યાંની આર્થિક પ્રગતિને જોઈને તેને વિકાસશીલ દેશોની શ્રેણીમાં રાખી શકાય નહીં.
ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે ભારતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી માટે આ મુશ્કેલીરૂપ બની શકે છે, કારણ કે તેમને ચૂંટણીના માહોલમાં દેશની આર્થિક પ્રગતિની ચિંતા સતાવે તેવી શક્યતા પણ પેદા થઈ રહી છે.
બીજી તરફ ટ્રમ્પ અને તુર્કીના વડાપ્રધાન અર્દોગનની વચ્ચે સંબંધોમાં આવેલી ખટાશ જગજાહેર છે. ત્યાંની અર્થવ્યવસ્થા પણ કમજોર થતી દેખાઈ રહી છે. તેની સાથે જ તુર્કીમાં પણ ચૂંટણીઓ આવી રહી છે. માટે ભારત અને તુર્કી બંને દેશો પર અમેરિકાના આ નિર્ણયની મોટી અસર થવાની શક્યતા છે.
અમેરિકાના આ નિર્ણય પર ભારતના વાણિજ્ય સચિવ અનૂપ વાધવાએ કહ્યુ છે કે ભારત અને અમેરિકા વચ્ચે 5.6 અબજ ડોલરના વેપાર પર આની ખાસ અસર પડશે નહીં.