સુરતમાં બ્રેઈનડેડ દર્દીના અંગોનું દાન, ત્રણ વ્યક્તિઓને મળશે નવી જીંદગી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં અંગદાન અંગે જાગૃતિ વધી છે, જેથી લોકો અંગદાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધને બ્રેઈનસ્ટ્રોકના હુમલા બાદ તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યાં હતા. બ્રેઈનડેડ દર્દીની ઈચ્છાપૂર્તિ માટે પરિવારજનોએ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તબીબો દ્વારા બ્રેઈનડેડ દર્દીની બે નેત્ર અને લિવરનું દાન સ્વિકાર્યું હતું. આમ બ્રેઈનડેડ દર્દીએ ત્રણ વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે.
BE ઈલેક્ટ્રીકલ એન્જીનીયર અને હાલમાં નિવૃત જીવન વિતાવતા ભરતભાઈ કાંતિલાલ માંડલેવાલા બી-૬૧, શાંતિ નિવાસ, દિવાળીબાગ, અઠવાગેટ, સુરત મુકામે તેમના પરિવાર સાથે રહેતા હતા. તા. 22 માર્ચના રોજ ભરતભાઈ ને ગરદનમાં અસહ્ય દુઃખાવો થતા સ્પાઈન સર્જન ડૉ. ધ્રુવીન પટેલ ને કન્સલ્ટ કરવામાં આવ્યા હતા, ડૉ. ધ્રુવીનભાઈ એ નિદાન માટે CT સ્કેન કરાવતા મણકાની આજુબાજુ અને મણકામાં ઈન્કેશન (બગાડ) હોવાનું નિદાન થયું હતું. તા. ૨૩ માર્ચ ના રોજ ડૉ. ધ્રુવિન પટેલે મહાવીર હોસ્પિટલ માં ભરતભાઈ ના મણકામાં લાગેલો બગાડ દુર કરવાની સર્જરી કરી હતી. સર્જરી કર્યા બાદ MRI કરાવતા ભરતભાઈને બ્રેઈનસ્ટ્રોક નો હુમલો આવ્યો હોવાનું નિદાન થયું હતું. તા. 24 માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલ, ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. કરસન નંદાનીયા, ન્યુરોફીઝીશિયન ડૉ. સિદ્ધેશ રાજ્ય્ધ્યક્ષ, મેડીકલ ડાયરેક્ટર ડૉ. નિમિશ પરીખે ભરતભાઈ ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ભરતભાઈને ડોકટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરતા તેમના પુત્ર સિધ્ધાર્થે ભરતભાઈ ના પિતરાઈ ભાઈ અને ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી ભરતભાઈના બ્રેઈનડેડ અંગેની અને તેમના અંગદાન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ડોનેટ લાઈફની ટીમ મહાવીર હોસ્પિટલ પહોંચી ત્યારે ભરતભાઈના પત્ની સુધાબેન, પુત્ર અપૂર્વ, અને સિધ્ધાર્થે જણાવ્યું કે તેમના પતિ/પપ્પા ભરતભાઈ હંમેશા નીલેશભાઈ માંડલેવાલા દ્વારા વર્ષોથી ચલાવવામાં આવી રહેલી અંગદાનની પ્રવૃતિના ખુબ જ વખાણ કરી ગૌરવ અનુભવતા હતા. તેઓ બીજી વ્યક્તિઓને પણ અંગદાન કરાવવાની પ્રેરણા આપતા હતા. તેઓ હંમેશા કેહતા હતા કે, જો કોઈ સંજોગો માં તેઓ બ્રેઈનડેડ થાય તો તેમના અંગોનું દાન જરૂરથી કરાવજો. આજે મારા પતિ/પપ્પા બ્રેઈનડેડ છે ત્યારે તેમની ઈચ્છા અનુસાર તેમના અંગોનું દાન તમે જરૂરથી કરાવો. ભરતભાઈના બધા જ અંગો નું દાન કરવાની સંમતી પરિવારજનો એ આપી હતી પરંતુ ફક્ત લિવરનું દાન જ થઈ શક્યું હતું. તેમની બંને કિડની ખરાબ થઈ ગઈ હોવાને કારણે કિડનીનું દાન તેમજ તેમની ઉંમરના કારણે હૃદય અને ફેફસાનું દાન થઈ શક્યું ન હતું.
ભરતભાઈના પરિવારમાં તેમની પત્ની સુધાબેન ઉ.વ 70 કે જેઓ યુનિયન બેંકમાં ફરજ બજાવતા હતા. પુત્ર અપૂર્વ ઉ.વ 45 જેઓ સ્કેટ એન્જીનીયરીંગ કોલેજના ઈન્ફોમેશન ટેક્નોલોજી વિભાગમાં લેકચરર તરીકે ફરજ બજાવે છે. પુત્ર સિધ્ધાર્થ ઉ.વ 40 કે જેઓ કન્સેપ્ટ ઈન્વેસ્ટમેન્ટ વેલમાં સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ અને ફંડ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો . SOTTO દ્વારા લિવર સુરતની મહાવીર હોસ્પિટલને ફાળવવામાં આવ્યું હતું. લિવરનું દાન સુરતની મહાવીર હોસ્પીટલના ડૉ. રવિ મોહન્કા, ડૉ. પ્રશાંથા રાવ, ડૉ. મિતુલ શાહ, ડૉ. નરેશ ગાબાણી અને તેમની ટીમે સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 52 વર્ષીય વ્યક્તિમાં સુરતની મહાવીર હોસ્પીટલમાં ડૉ. રવિ મોહન્કા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. મહાવીર હોસ્પીટલમાં લિવરનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે. ગુજરાત સરકારની ટ્રાન્સપ્લાન્ટ ઓથોરાઈજેશન કમિટી દ્વારા મહાવીર હોસ્પિટલને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની મંજુરી જાન્યુઆરી 2024માં આપવામાં આવી હતી.
સુરતમાં લિવર નું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલ પછી મહાવીર હોસ્પિટલમાં શરુ થવાને કારણે દક્ષિણ ગુજરાતના લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેના દર્દીઓને તેનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનું સૌ પ્રથમ કેડેવારિક લિવર નું દાન સુરતની સ્મીમેર હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું હતું. માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ. ભરતભાઈ કાંતિલાલ માંડલેવાલા ઉ.વ. ૭૫ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1219 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 496 કિડની, 216 લિવર, 51 હૃદય, 48 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 395 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1119 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.