ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે સંરક્ષણ સૂત્રોએ બુધવારે જણાવ્યુ છે કે પાકિસ્તાને અફઘાનિસ્તાનને લગતી સીમા પરથી પોતાના વધારાના સૈનિકો અને સૈન્ય ઉપકરણોને હટાવીને તેને કાશ્મીર નિયંત્રણ રેખા પર વિભિન્ન સંવેદનશીલ સેક્ટરોમાં તેનાત કર્યા છે.
ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર અસૈન્ય વિસ્તારોને નિશાન બનાવવાના મામલે બુધવારે પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેની આગળની ઉશ્કેરણીજનક કાર્યવાહી અથવા દુસ્સાસહસનું ગંભીર પરિણામ આવશે.
સરકારી સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાને 155 એમએમ તોપોથી નૌશેરા સેક્ટરમાં અગ્રિમ ચોકીઓને નિશાન બનાવી હતી. તેનો જવાબ ભારતીય સેનાએ બોફોર્સ તોપોથી આપ્યો છે. તેના પછી પાકિસ્તાનને ભારતીય સેના તરફથી ચેતવણી આપવામાં આવી હતી.
સૂત્રોનું કહેવું છે કે બંને સેનાઓના સૈન્ય અધિકારીઓએ બુધવારે હોટલાઈન પર વાત કરી હતી. તે વખતે ભારતે પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર બિનલશ્કરી વસ્તીને નિશાન નહીં બનાવવા માટેની તાકીદ કરી હતી.
સેનાએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે અસૈન્ય વિસ્તારોને નિશાન બનાવવાની પાકિસ્તાની સેનાને ભારતીય સેનાની ચેતવણી બાદ નિયંત્રણ રેખા પર સ્થિતિ કુલ મળીને અપેક્ષાકૃત શાંત રહી હતી. નિવેદન પ્રમાણે, પાકિસ્તાની સેનાએ કૃષ્ણા ઘાટી અને સુંદરબનીમાં પસંદ કરાયેલા વિસ્તારોમાં ભારે કેલિબરના હથિયારોથી વગર કોઈ ઉશ્કેરણીએ બેફામ ગોળીબાર કર્યો હતો. ભારતીય ચોકીઓ અને સિવિલિયન એરિયાને પણ મોર્ટાર શેલિંગ કરીને નિશાન બનાવ્યા હતા. તેમા કહેવામાં આવ્યું છે કે ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને અસરકારક જવાબ આપ્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર કડક નજર રખાઈ રહી છે. પાકિસ્તાને આગળ કોઈ ઉશ્કેરણીની કાર્યવાહ અથવા દુસ્સાહસ કરવાની હિંમત કરશે, તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે અને ગંભીર પરિણામ હશે. ભારત તરફથી 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં બાલાકોટ પાસે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેન્દ્રો પર બોમ્બમારો કરાયા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
સૂત્રોનું કહેવું છે કે બાલાકોટ પર હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેની તેની સરહદ પરથી વધારાના સૈનિકો અને સૈન્ય ઉપકરણોને હટાવીને નિયંત્રણ રેખા પાસેના ઘણાં સંવેદનશીલ સેક્ટરોમાં અગ્રિમ સ્થાનો પર તેનાત કર્યા છે. પાકિસ્તાને 27મી ફેબ્રુઆરીએ ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાની નિષ્ફળ કોશિશ કરી હતી.